જર્મનીના બે રાજ્યો – રાઈનલેન્ડ પેલેટીનેટ અને ઉત્તર રાઈન વેસ્ટફેલિયામાં પૂરપ્રકોપથી હાહાકાર મચી ગયો હતો. આ બે રાજ્યોમાં જ ૯૦ કરતાં વધુ લોકોનાં મોત થયા હતા. પશ્વિમ યુરોપમાં પૂરના તાંડવથી કુલ મૃત્યુ આંક વધીને ૧૧૦ને પાર પહોંચી ગયો હતો. જર્મની અને બેલ્જિયમમાં અસંખ્ય લોકો હજુય લાપતા છે.
પશ્વિમ યુરોપમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ હતી. બે મહિનામાં જે વરસાદ પડે તે માત્ર બે દિવસમાં જ ખાબકી જતાં જર્મની અને બેલ્જિયમની સરહદે હાહાકાર મચી ગયો હતો. કેટલાય હાઈવે બંધ થઈ ગયા હતા. વાહન-વ્યવહાર ખોરવાઈ જતાં અસંખ્ય લોકો અધવચ્ચે ફસાઈ ગયા હતા.
બે રાજ્યોમાં જ કુલ 90 લોકોના મોત : જર્મનીના બે રાજ્યો – રાઈનલેન્ડ પેલેટીનેટ અને ઉત્તર રાઈન વેસ્ટફેલિયામાં સૌથી વધુ તારાજી સર્જાઈ હતી. બંને રાજ્યોમાં જ કુલ મળીને ૯૦ જેટલાં લોકોના મોત થયા હતા. બેલ્જિયમમાં ૨૦થી ૨૨નાં મોત થયાનું કહેવાયું હતું. બંને દેશોમાં મળીને ૧૧૦ કરતાં વધુનાં મોત થયા હતા.
ભારે તોફાન અને વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની ગઈ હતી. ઠેર-ઠેર પાણી ઘૂસી જતાં કેટલાય નાનકડા ટાઉન અને ગામડાં સંપર્ક વિહોણા બની ગયા હતા. છેવાડાના વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક અને ઈન્ટરનેટ સર્વિસ બંધ થઈ જતાં લોકોનો સંપર્ક સાવ તૂટી ગયો હતો. વીજળી ગૂલ થઈ જતાં સેંકડો પરિવારો છેલ્લાં બે-ત્રણ દિવસથી અંધારપટ્ટમાં રહેવા મજબૂર બન્યા હતા.
૧૩૦૦ જેટલાં લોકો લાપતા : સ્થાનિક ગવર્નર ઓફિસમાંથી માહિતી આપવામાં આવી હતી કે બચાવ ટૂકડીઓ ફસાયેલા લોકોને બહાર કાઢવાની મથામણમાં પડયા છે. છતાં હજુય ૧૩૦૦ જેટલાં લોકો લાપતા છે. જોકે, અલગ અલગ સરકારી વિભાગો વચ્ચે સંકલન થયું ન હોવાથી આંકડો બમણો થયો હોય એવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. લાપતા લોકોને શોધવા માટે પણ અલગ ટૂકડીને કામ સોંપાયું છે. જર્મનીના એફેલ વિસ્તારમાં કેટલાય જૂના મકાનો ધરાસાઈ થઈ ગયા હતા.
બેલ્જિયમના પૂર્વી વેર્વિસ વિસ્તારમાં પૂરનો પ્રકોપ સવિશેષ જોવા મળ્યો હતો. દેશના દક્ષિણ-પૂર્વના કેટલાય પ્રાંતોમાં જળબંબાકાર થઈ ગયો હતો. યુરોપીયન સંઘ કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેરલેને જણાવ્યું હતું કે બેલ્જિયમ, જર્મની, નેધરલેન્ડ અને લક્ઝમબર્ગમાં લોકો સલામત રહે તે જરૃરી છે. બધા જ પૂરપ્રભાવિત વિસ્તારોમાં મદદ પહોંચાડવાની પ્રક્રિયા ઈયુએ શરૃ કરી છે.
જોકે, લક્ઝમબર્ગ અને નેધરલેન્ડમાં પૂરપ્રકોપથી કેટલું નુકસાન થયું છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાણકારી જાહેર કરવામાં આવી નથી, પરંતુ નેધરલેન્ડમાં કેટલાય ઘરોમાં પાણી ઘૂસી ગયા હોવાના અહેવાલો હતા. નેધરલેન્ડના દક્ષિણ-પૂર્વમાં આવેલું રોઈરરમોન્ડ શહેરમાં પાણી ઘૂસી ગયું હતું. પશ્વિમ યુરોપમાં આવેલા આ ભયાનક પૂરની સૌથી વધુ અસર જર્મની અને બેલ્જિયમને જ થઈ છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!