કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલનું નિધન, જાણો સંપૂર્ણ માહિતી…

0
693

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલ છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાની સારવાર હેઠળ હતા. તેઓ છેલ્લા એકાદ મહિનાથી હોસ્પિટલમાં હતા. પરંતુ લાંબી સારવાર છતાં એમને બચાવી શકાયા નહોતા. કોરોનાની સારવાર દરમિયાન એક પછી એક અંગો કામ કરતા બંધ થઇ જવાને કારણે લાંબી લડત બાદ આખરે ૭૧ વર્ષના અહમદ પટેલે ફાની દુનિયાને અલવિદા કરી દીધી હતી. કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ લીધા હતા

અહમદ પટેલ હંમેશથી ગાંધી પરિવારના કરીબી અને વફાદાર રહ્યા હતા. કોંગ્રેસની દરેક ચડતી-પડતી વખતે તેઓ ગાંધી પરિવારની સાથે રહ્યા. તેઓ સોનિયા ગાંધીના અંગત સલાહકાર અને વિશ્વાસુ વ્યક્તિ ગણાતા હતા. ૨૧ ઓગસ્ટ, ૧૯૪૯ના રોજ ભરૂચમાં જન્મેલા અહમદ પટેલ ‘બાબુભાઈ’ના હુલામણા નામે જાણીતા હતા. મિડીયા પણ એમને ‘ભરૂચના પનોતા પુત્ર’ તરીકે નવાજતું રહ્યું છે.

નગર પાલિકાથી કરી હતી રાજનીતિની શરૂઆત

અહમદ પટેલે રાજનૈતિક કેરિયરની શરૂઆત નાગર પાલિકાની ચૂંટણીથી કરી હતી. ત્યાર પછી એમણે રાજનીતિમાં પાછું વાળીને જોયું નહોતું. ભરુચ વિસ્તારમાં અહમદ પટેલનો જબરદસ્ત પ્રભાવ રહ્યો છે. ઇસ ૧૯૭૭માં જ્યારે કટોકટીકાળ બાદ દેશભરમાં કોંગ્રેસ વિરોધી મોજું હતું, એ સમયે થયેલી ચૂંટણીમાં જ્યાં ખુદ ઇન્દિરા ગાંધી પોતે ચૂંટણીમાં હારી ગયા હતા અનેપોતાની બેઠક સુધ્ધાં જાળવી નહોતા શક્યા, ત્યાં અહમદ પટેલ ભરુચ બેઠક ઉપર જીતી ગયા હતા! આ ઘટના બાદ ઇન્દિરા ગાંધીનું ધ્યાન એમના પર પડ્યું હતું.

 

આઠ વાર એમપી તરીકે ચૂંટાયા

રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ્યા બાદ અહમદ પટેલ કુલ આઠ વાર સાંસદ તરીકે ચૂંટાયા છે! આ પૈકી ત્રણ વાર તેઓ લોકસભાના સાંસદ તરીકે, તેમજ પાંચ વાર રાજ્યસભાના સાંસદ તરીકે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. આ સાથે જ તેઓ કોંગ્રેસ (Congress) પાર્ટીની આંતરિક જવાબદારીઓ પણ ઉપાડતા રહ્યા છે. તેમણે પક્ષમાં મ્હાસચિવથી માંડીને કોષાધ્યક્ષ સુધીની જવાબદારીઓ ઉપાડી હતી. કોંગ્રેસમાં તેઓ ૧૯૭૭થી માંડીને ૧૯૮૨ સુધી યુથ કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા. ૧૯૯૧થી આજપર્યંત તેઓ કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય રહ્યા છે.

રાજીવ અને સોનિયા, બંનેના વિશ્વાસુ

રાજીવ ગાંધીના પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન અહમદ પટેલ રાષ્ટ્રીય સ્તરે એક મજબૂત નેતા તરીકે ઉભર્યા. રાજીવને એમના પર ખૂબ ભરોસો હતો, આથી રાજીવ ગાંધીની અનેક મહત્વાકાંક્ષી યોજનાઓમાં પટેલને મહત્વની જવાબદારી સોંપાઈ હતી.

રાજીવ પછી સોનિયા ગાંધીના કાળમાં પણ અહમદ પટેલનું રાજકીય કદ સતત વધતું જ રહ્યું. સોનિયા પણ પટેલ પર બહુ ભરોસો કરતાં. ૨૦૧૧થી સોનિયા ગાંધીએ અહમદ પટેલને પોતાના પોલિટિકલ એડવાઇઝર તરીકે નિયુક્ત કર્યા હતા. કોંગ્રેસના શાસન દરમિયાન તેમજ મોરચા સરકારોના યુગ વખતે અહમદ પટેલને ‘કિંગ મેકર’ ગણવામાં આવતા હતા. તેઓ વારે વારે મીડિયામાં દેખાવાને બદલે મોટે ભાગે પડદા પાછળ રહીને કામ કરતા. સોનિયાને હાલમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવા પાછળ પણ પટેલની મહત્વની ભૂમિકા હોવાનું મનાય છે.

દિગ્ગજ નેતાઓએ આપી શોકાંજલિ, પૈતૃક ગામ પિરામણમાં થશે દફનક્રિયા

રાજનીતિ સિવાય લગભગ દરેક પક્ષના ટોચના નેતાઓ સાથે પટેલને સૌજન્યપૂર્ણ સંબંધો રહ્યા. પીએમ મોદીએ પણ આજે શ્રદ્ધાંજલિ આપતા ટ્વિટ કર્યું છે કે ‘અહમદ પટેલ તેજ દિમાગ ધરાવતા નેતા હતા’. આ સાથે જ મૂ.મંત્રી રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ સહિતના નેતાઓએ પણ શોક વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ, પરેશ ધાનાણી, હાર્દિક પટેલ સહિતના નેતાઓએ અહમદ પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

અહમદ પટેલના પાર્થિવ દેહને ગુજરાત લાવવામાં આવશે અને આવતીકાલે એમના પૈતૃક ગામ પિરામણમાં એમની દફનક્રિયા કરવામાં આવશે.

લેખન સંપાદન : Infogujarat Team

તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ  તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 

જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here