અમૃત મહોત્સવમાં ઉભો થયો પાણીનો વિકટ પ્રશ્ન પણ સ્વામીશ્રી કર્યું આ કામ..

0
626

ગોંડલમાં યોગીજી મહારાજના અમૃત મહોત્સવમાં પાણીનો પ્રશ્ન વિકટ હતો. સ્વામીશ્રીએ યોગીબાપાની મરજીમાં ભળી જઈને સમૈયો ગોંડલમાં કરવાનું અને પાણીની સમસ્યા હલ કરવાનું માથે લીધું હતું.

અમૃત મહોત્સવમાં પાણીની સમસ્યા નડે નહીં તે માટે સ્વામીશ્રીએ પ્રથમથી જ કમર કસેલી. તે માટે બોરિંગ કરીને પાણી કાઢવાના ત્રણેક પ્રયત્નો તેઓએ કર્યા હતા. હાલ મંદિરની ગૌશાળા છે તેની પાછળના કરાવેલા. પણ પાણી નહોતું નીકળ્યું.

ભૂમિનાં જળ-તળજાણે તેવા નિષ્ણાતોની સૂચના મુજબ પણ પ્રયોગો
કરેલા, પરંતુ તેમાંય નિષ્ફળતા જ હાથ લાગેલી. તા. ૧૯/પની રોજનીશીમાં સ્વામીશ્રી લખે છે – પાણી માટે આખો દિવસ મહેનત લીધી. આશાપુરા આગળ બે એંજીન મૂકી પાણી લેવા પ્રયત્ન. છતાં સફળતા ન મળી.”

આમ છતાં તેઓની શ્રદ્ધા અણનમ રહેલી. કેટલાક કહે પણ ખરા કે “અહીં સમૈયો ખોટો લઈ આવ્યા.” પણ સ્વામીશ્રીનું નિશાન યોગીજી મહારાજની મરજી હતી. તેથી તેઓ કદી ડગમગ્યા નહોતા.

અમૃત મહોત્સવમાં યોગીજી મહારાજની ઇચ્છા હતી કે “હરભિક્તોને સ્નાનનો લાભ મળે તે માટે અક્ષર ઘાટ ભરવો.” તે ભરવા માટે દોઢેક કિ.મી. દૂર હાથિયા ધરેથી પાઇપલાઇન દ્વારા પાણી લાવવાનું હતું. આ મહેનતકશ સેવામાં સ્વામીશ્રી પણ સ્વયં કછોટો વાળીને પક્કડ-પાનાં ફેરવવામાં જોડાઈ ગયેલા. મહોત્સવની પૂર્વતૈયારી દરમ્યાન જ્યારે સ્વામીશ્રી

પાણીની માંગને પહોંચી વળવા આકાશ-પાતાળ એક કરી રહેલા ત્યારે સ્થાનિક રાજકીય આગેવાનનો એક નબીરો હાથમાં હોકી ફેરવતો ફેરવતો તેઓ પાસે આવી ચડેલો. તેણે આવતાં જ પૂછ્યું : “પ્રોબ્લેમ (મુશ્કેલી) શું છે?” કો’ કે તેને પાણીના પ્રશ્નની વાત કરી. તે સાંભળી તે બોલ્યો : “આ જવાબદારી મને સોંપી દો. હું નગરપાલિકાના સભ્યોને ધાક-ધમકી આપી, ડંડો મારીને પણ પાણી અહીં પહોંચતું કરું.”

તે વખતે ગોંડલ ગામના એક કૂવામાં પુષ્કળ પાણી હતું. તે કૂવામાંથી નગરપાલિકા જોઈએ એટલું પાણી આપે તેવો બંદોબસ્ત પોતે કરાવી આપશે તેવું એ યુવાનનું કહેવું હતું. તેની જે વગ હતી તે જોતાં તે આ સગવડ કરી આપે તેમ જ હતું. તેથી સૌ મનોમન રાજી થયા. પરંતુ તે વખતે સ્વામીશ્રીએ કહ્યું : “જુઓ બાપુ! એમ ન કરાય.” સ્વામીશ્રીની આ શીખ તેને માફક ન આવી. તેથી તેણે ચાલતી પકડી. તેની વિદાય બાદ સૌએ સ્વામીશ્રીને કહ્યું : “સ્વામી! આપે ‘હા’ પાડી દેવી’તી ને! આપણી જવાબદારી ક્યાં હતી? એ જ માથાફોડ કરવાનો હતો ને!

ત્યરે સ્વામીશ્રીએ જણાવ્યું : “નગરપાલિકાના સભ્યો પોતાની ફરજ બજાવે છે. (એટલે કે તેઓ આપણી માંગને પહોંચી વળવાનો પ્રયત્ન કરી રહ્યા છે.) માટે સમજૂતીથી થાય તે જ કામનું ! અન્યને આપણો ગુણ રહે અથવા આવે તે આપણી સેવા થઈ ગઈ કહેવાય !’ સ્વામીશ્રીના આ ઉત્તરમાં તેઓની સ્વચ્છ, શુદ્ધ, સાધુતાસભર કાર્યશૈલીનું દર્શન થઈ રહ્યું છે. તેઓ કદી કોઈ ખોટી રીત કે કોઈ ખોટી વ્યક્તિને પોષતા નહીં.

પાણીનો પ્રશ્ન સ્વામીશ્રીને પીડી પીલી રહ્યો હતો એ હકીકત હતી. વળી, પેલો જુવાન જે રીતે કામ કરી આપવાનો હતો તેમાં સ્વામીશ્રીના પગ નીચે રેલો આવવાનો નથી એ પણ નિર્વિવાદ વાત હતી. પાણીની રેલમછેલ થાય તો ઉત્સવની વ્યવસ્થા બરાબર જળવાઈ જાય અને સ્વામીશ્રીની કુશળ આયોજક તરીકેની પ્રતિષ્ઠાને પણ ચાર ચાંદ લાગી જાય એ નિશ્ચિત વાત હતી.

તેની સામે પાણીની અછત રહે અને લોકોને હાલાકી પહોંચે તો સ્વામીશ્રીના સમૈયાના સમર્થ સૂત્રધાર તરીકેની છબી ખરડાવવાનો ભય પણ જોનારો જોઈ શકે એમ હતો.તેમ છતાં, ચારે બાજુની આવી ભીંસ વચ્ચે સ્વામીશ્રીનો પ્રતિભાવ પ્રવૃત્તિને કેન્દ્રમાં રાખીને નહીં પણ સાધુતાને કેન્દ્રમાં રાખીને નીકળી રહેલો દેખાય છે.

સામાન્ય સંજોગોમાં તો સૌ કોઈ પ્રામાણિકતા દાખવી શકે, પરંતુ મથામણ પછીયે જ્યારે રસ્તો નીકળતો ન દેખાય ત્યારે માનવીના સગુણોને ઝોકું આવી જાય છે અને તે અઘટિત માર્ગે જઈને પણ કાર્ય પૂરું કરવા તૈયાર થઈ જાય છે. આવા સમયે ચારિત્ર્યવાન વ્યક્તિ જ સંજોગોનો શિકાર બન્યા વિના યોગ્ય પગલું ભરી શકે. સ્વામીશ્રી એવી સાધુચરિત વિભૂતિ હતા જેણે કાર્યસિદ્ધિ માટે કદીયે પોતાની સાધુતાનો બલિ ચડાવ્યો નહોતો. આ જ વિશેષતા તેઓને સમકક્ષો વચ્ચે પ્રથમ સ્થાને પધરાવતી.

લેખન સંપાદન : Infogujarat Team

તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ  તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.વધુ ધાર્મિક લેખો, લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here