વર્ષ 2021ના નૈઋત્યના ચોમાસા ને મોન્સૂન બ્રેક લાગી છે જેને કારણે નૈઋત્યનું ચોમાસુ રાજસ્થાન , પંજાબ, હરિયાણા , દિલ્હીમાં આગળ વધી શક્યું નથી સાથે જ ગુજરાતમાં પણ છેલ્લા 15 દિવસથી નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી જેને કારણે રાજ્યમાં વરસાદ ની ઘટ જોવા મળી રહી છે પરંતુ નૈઋત્યના ચોમાસાને લાગેલી મોન્સૂન બ્રેક આજથી હટી જશે જેના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં મેઘરાજાની ધમાકેદાર રી-એન્ટ્રી થશે.
બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાઈ રહ્યું છે જે આગામી 11 તારીખ સુધીમાં સર્જાઈ જશે. આ હવાના હળવા દબાણને કારણે ગુજરાત પર એક વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે જેને કારણે રાજ્યમાં નોંધપાત્ર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલ રાજ્ય પર સક્રિય સિસ્ટમની અસરને કારણે ગુજરાત રિજયન અને સૌરાષ્ટ્ર-કચ્છને સારો વરસાદ મળે તેવું અનુમાન હવામાન વિભાગના અધિકારીઓ લગાવી રહ્યા છે.
બંગાળની ખાડીમાં સક્રિય થનાર હવાના હળવા દબાણ જેને લો પ્રેસર પણ કહેવામાં આવે છે તેની સાથે વધુ એક સિસ્ટમ પણ ગુજરાતને અસર કરશે જેને કારણે 10મી જુલાઈથી રાજ્યમાં વરસાદની તીવ્રતામાં વધારો નોંધાશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 10 અને 11મી જુલાઈએ વરસાદનું જોર વધારે રહેશે જેને કારણે હવામાન વિભાગ દ્વારા 10મી જુલાઈ એ દક્ષિણ ગુજરાતના ડાંગ , વલસાડ, નવસારી, તાપી અને દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
11મી જુલાઈએ રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે જેને કારણે ઉત્તર ગુજરાતના પંચમહાલ, દાહોદ , મહીસાગર, છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. 12 અને 13મી જુલાઈએ પણ આ જ પ્રકારની સ્થિતિ રાજ્યભરમાં યથાવત રહેશે જેને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા સેવવામાં આવી છે.
છેલ્લા 15 દિવસથી રાજ્યમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી જેને કારણે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની ઘટ જોવા મળી હતી અને વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ હતો પરંતુ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાવાના સાથે જ ગુજરાતના ખેડૂતોની ચિંતા પણ દૂર થઈ જશે અને રાજ્યમાં વરસાદની ઘટ પણ.
ગુજરાતમાં વરસાદ : આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ફાળદંગ, ડેરોઈ અને રફાળા સહિતના ગામડાઓમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. કોટડાસાંગાણી તાલુકાના સાંગણવા, મેંગણી, નાની મેંગણી, રીબ અને હડમતાળા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે. 20 દિવસ બાદ વરસાદ પડતાં ખેડૂતો અને માલધારીઓએ આશા ફરી બંધાઈ છે. કારણ કે આ વરસાદથી કપાસ, મગફળી સહિતના પાકને ફાયદો થશે.
અમરેલી શહેરની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. અમરેલી શહેર તથા આસપાસના નાના ભંડારીયા, વિઠ્ઠલપુર ખંભાળિયા, ફતેપુર, લીલીયા સહિતના ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વિઠ્ઠલપુરમાં તો ભારે વરસાદના પગલે ગામની બજારોમાં નદીની જેમ પાણી વહ્યા છે.
અમરેલીના નાના ભંડારીયા ગામે ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદના કારણે નેરોમાં ભારે પાણીની આવક થઈ. નેરાઓના પાણી ગામના પાદરમાં ફરી વળતા સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું હતું.. તો વડેરા અને અમરેલી રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. રાજુલા તથા આસપાસના વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ વરસાદે વિરામ લીધો હતો. જોકે રાત્રીના ફરી મેઘરાજાનું આગમન થયું. વીજળીના કડાકા સાથે રાજુલા તથા વિકટર, પીપાવાવ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો.
ધોધમાર વરસાદના પગલે જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે. તાઉતે વાવાઝોડા સમયે વરસેલા વરસાદના કારણે ખેડૂતોએ વાવણી તો કરી નાંખી હતી.. હવે ખેડૂતોના પાકને પાણીની જરૂરિયાત હતી. સમયસર વરસાદ વરસી જતા ખેડૂતોના પાકને ફાયદો થશે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!