ગત રાત્રે કિમ-માંડવી રોડ પર આવેલા પાલોદગામ નજીક ફૂટપાથ પર ઊંઘી રહેલા શ્રમજીવી પરિવાર પર ડમ્પર ફરી વળતાં 12 લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 8ને ગંભીર હાલતમાં સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 3નું સારવાર દરમિયાન મોત નીપજતાં કુલ મૃતાંક 15 પર પહોંચ્યો હતો.

ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો. પોલીસે ડમ્પરચાલક અને ક્લિનરની ધરપકડ કરી હતી. ડમ્પરચાલક પકડાયો ત્યારે ચિક્કાર પીધેલી હાલતમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું. જ્યારે મુખ્યમંત્રી રૂપાણીએ મૃત્યુ પામેલા પ્રત્યેક શ્રમજીવીને 2 લાખ રૂપિયાની રાજ્ય સરકાર દ્વારા સહાયની પણ જાહેરાત કરી છે.
ટ્રેક્ટરને ટક્કર માર્યા બાદ ડમ્પરે કાબૂ ગુમાવ્યો:મૂળ બાસવાડાના કુશલગઢના વતની અને છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પાંચથી છ પરિવારો છેલ્લાં પાંચ વર્ષથી પાલોદ પાસે રહે છે. દરમિયાન સોમવારે મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ કિમથી માંડવી તરફ જઈ રહેલા ડમ્મરચાલકે કિમ ચાર રસ્તા તરફ જતા શેરડી ભરેલા ટ્રેક્ટરને ટક્કર મારી હતી.
ટ્રેક્ટરને ટક્કર માર્યા બાદ ડમ્પરચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ડમ્પર રસ્તાના કિનારે આવેલા ફૂટપાથ પર ચઢી જતાં ત્યાં સૂતેલા 20 શ્રમિકને કચડી નાખ્યા હતા. ભરનીંદરમાં રહેલા શ્રમિક પરિવારો પર ડમ્પર ચઢી જતાં 12નાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 8ને ગંભીર હાલતમાં સ્મિમેર હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં અન્ય 3નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
પોલીસકર્મીઓએ લાશને ટેમ્પોમાં ભરી:નીંદર માણી રહેલા શ્રમિકો પર ડમ્પર ચઢી જતાં મોટા ભાગના મૃતકોની ડેડબોડી કચડાઈ ગઈ હતી. એકસાથે 12 લોકોનાં મોત થતાં ઘટનાસ્થળે લોહીનાં ખાબોચિયા ભરાઈ ગયાં હતાં. આવી હાલત વચ્ચે પોલીસકર્મીઓએ લોહી નીંગળતી હાલતમાં 12 ડેડબોડી ટેમ્પોમાં ભરીને હોસ્પિટલમાં ખસેડી હતી.
મૃત્યુ પામેલા કમભાગીઓ
- સફેશા ફ્યુચઇ
- શોભના વસાનીયા
- રાકેશ રૂપચંદ
- દિલીપ ઠકરા
- નરેશ બાલુ
- વિકેશ મહીડા
- મુકેશ મહીડા
- લીલા મુકેશ
- મનીષા
- ચધા બાલ
- અનિતા મનિષ મહિડા
- દિલીપ અકરમભાઈ વસાનીયા
- બે વર્ષની છોકરી
- એક વર્ષનો છોકરો
મુખ્યમંત્રીએ શ્રમજીવીઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી:મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતમાં રાત્રે ફૂટપાથ પર સૂતેલા નિર્દોષ શ્રમજીવીઓ પર ડમ્પર ફરી વળવાની ઘટનાને કારણે જાન ગુમાવનારા શ્રમજીવીઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી દિલસોજીની લાગણી વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ આ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક શ્રમજીવીને 2 લાખ રૂપિયાની રાજ્ય સરકાર દ્વારા સહાયની પણ જાહેરાત કરી છે.
લેખન સંપાદન : Infogujarat Team
તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,સરકારી યોજનાઓ અને સરકારી નોકરીઓ તેમજ તમામ સમાચારો સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારા ફેસબુક પેજ infogujaratofficial ને લાઈક કરો..