પ્રીતિ નવ વર્ષનાં હતાં, ત્યારે અચાનક એક દિવસ તેમને ઊલટી થવા લાગી, તેમને પેટમાં દુખી રહ્યું હતું અને અતિશય પીડા થઈ રહી હતી. ડૉક્ટરને ત્યાં તપાસ કરાવી તો માલૂમ પડ્યું કે પ્રીતિને બ્લડકૅન્સર હતું. અચાનક જ પ્રીતિની જિંદગી બદલાઈ ગઈ. બગીચામાં લપસણી ખાવા માટે વારો આવે, એની રાહ જોવાની ઉંમરમાં ડૉક્ટરને ત્યાં લાઇનમાં બેસવું પડતું હતું. આસપાસમાં મોટી ઉંમરના દરદીઓ હોય.

ઘરની બારીમાંથી બહાર રમતાં બાળકોને જોતા રહેવાનું, પરંતુ તેમની સાથે રમી ન શકાય, કારણ કે ચેપ લાગી જાય. અમદાવાદના માણેકચોકમાં સૂકામેવાની દુકાન ધરાવતા પ્રીતિના પિતા રોહિતભાઈ એ દિવસોને યાદ કરતા કહે છે:
“એ વખતે જાણે અમારી ઉપર આભ ફાટી પડ્યું. આટલી માસૂમ દીકરીને શા માટે બ્લડ-કૅન્સર જેવી બીમારી કેવી રીતે થઈ, તે સમજાતું ન હતું. પરિવારના મિત્ર અને વ્યવસાયે ગળા અને મોઢાના કૅન્સરના તબીબ એવા ડૉક્ટર કિન્નર શાહે બ્લડકૅન્સરના નિષ્ણાત તબીબ સાથે સંપર્ક કરાવ્યો.”
પ્રીતિ એ બ્લડ કેન્સરને મહાત આપી.. : સારવાર લેવા જાય એટલે બીજા દરદી તથા તેમના પરિવારજનો પ્રીતિને જોઈને દયા દાખવે, ‘અરેરે…આવડી અમથી છોકરીને બ્લડકૅન્સર?’ કોઈ વળી કરૂણા સહજ માથા ઉપર હાથ ફેરવે અને ચૉકલેટ આપે.
“હું ઘરે આવીને મમ્મીપપ્પાને પૂછતી કે બ્લડકૅન્સર એટલે શું? લોકો મારી સાથે આવું વર્તન કેમ કરે છે? ક્યારેક મમ્મીપપ્પા બંધબારણે રડતાં.” માતાપિતાનો જવાબ રહેતો, ‘તું સૌથી રૂપાળી પરી છે એટલે સૌ તને પ્રેમ કરે છે.’ લગભગ ત્રણ વર્ષ સુધી આ ક્રમ ચાલતો રહ્યો. તબીબોની મહેનત, પ્રીતિની પરેજી અને પરિવારનો પરિશ્રમ રંગ લાવ્યા. પ્રીતિએ બ્લડકૅન્સરને પરાજય આપ્યો.
પ્રીતિ નવમા ધોરણમાં આવ્યાં, તેમને ચાલવામાં તકલીફ પડવા લાગી. તેમને ભણવાનું યાદ ન રહે. પરિવાર ફરી તબીબો પાસે ગયાં, ત્યારે માલૂમ પડ્યું કે પ્રીતિના મગજમાં કૅન્સરની ગાંઠ છે, જેના કારણે આ બધી તકલીફ થતી હતી. ફરી એક વખત પ્રીતિની દવાખાનાની મુલાકાતો શરૂ થઈ. પરિવારમાં માતાપિતા અને ભાઈની બંધબારણે બેઠકોનો ક્રમ શરૂ થયા, જેમાં પ્રીતિના આરોગ્યની ચર્ચા થતી હતી. સ્વાભાવિક રીતે પ્રીતિ આ ચર્ચામાંથી બાકાત હતાં.
આસપાસના લોકો ધો. 10ની પરીક્ષા નહીં આપવા સમજાવતા હતા, પરંતુ પ્રીતિએ પરીક્ષા આપવાનું નક્કી કર્યું. નવમાં ધોરણના વૅકેશન દરમિયાન જૈન મહારાજ સાહેબના કહેવાથી સામયક તથા પ્રતિક્રમણ જેવા અનુષ્ઠાન કર્યા, જેના કારણે તેમનું મનોબળ વધ્યું. તેમણે ધો. 10ની પરીક્ષામાં 80 ટકા અને ધો. 12 કૉમર્સની પરીક્ષામાં 78 ટકા માર્ક્સ મેળવ્યા. એ સમયે શિક્ષકો પણ શક્ય એટલી મદદ કરતા હતા.
નવી જગ્યા, નવા લોકો, નવી સમસ્યા : બ્રેઇન-ટ્યૂમર દૂર કરવાને કારણે પ્રીતિનાં માથા પર વાળ ન હતાં, તેઓ માથા પર સ્કાર્ફ બાંધીને કૉલેજે જતાં હતાં. એની ઉંમરની છોકરીઓ, ‘તારા માથા પર વેલ નથી’ , ‘તું કેવી દેખાય છે, તને કોઈ છોકરો પસંદ નહીં કરે.’ વગેરે જેવી ટિપ્પણીઓ કરતી. આને કારણે પ્રીતિ હતોત્સાહિત થઈ જતાં.
આ સમયે મમ્મીપપ્પા, ભાઈ, ફોઈ-ફુઆ સહિતનાં પરિવારજનો હિંમત આપતાં હતાં અને લોકોની અસંવેદનશીલ ટિપ્પણીઓને કેવી રીતે અવગણવી અને આગળ વધવું તેના વિશે શીખવતાં હતાં. પ્રીતિએ ટિપ્પણીઓ પર ધ્યાન આપવાને બદલે અભ્યાસ પર લક્ષ્ય આપ્યું. પ્રીતિએ હોંશિયાર વિદ્યાર્થી તરીકે કાઠું કાઢ્યું એટલે તેમની નોટ્સ માટે મિત્ર બનવા લાગ્યાં, સાથે ફિલ્મો જોવા જાય એવું ગ્રૂપ બન્યું.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!