ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીના વૈવાહિક જીવનસાથી રેશમા પટેલ સાથે ખટરાગનો મામલો ચર્ચાના એરણે ચડ્યો છે. લગભગ બે કરતાં વધુ દાયકા પહેલાં રેશમા પટેલ સાથે લગ્નગ્રંથિથી જોડાયેલા વરિષ્ઠ કોંગ્રેસી નેતાને ચારેક વર્ષથી લગ્નજીવનમાં ખટરાગ ચાલતો હતો. અંતે સોલંકીએ પોતાનાં પત્ની મનસ્વી રીતે વર્તતાં હોવાની જાહેર નોટિસ પણ જારી કરી છે.
1998માં પ્રેમલગ્ન કર્યા હતા : આ મુદ્દો ચરોતર પંથકમાં ચર્ચાના એરણે ચડ્યો છે. અલબત્ત, આ બાબતે રેશમા પટેલનો સંપર્ક થઇ શક્યો નહોતો. અત્રે ઉલ્લેખનીય છે કે અંદાજે 1998માં ભરતસિંહ સોલંકીએ તેમનાથી 24 વર્ષ નાની રેશમા પટેલ સાથે પ્રેમલગ્ન કરી વૈવાહિક જીવનનો પ્રારંભ કર્યો હતો.
વર્ષ 1953માં જન્મેલા ભરતસિંહ સોલંકીએ વર્ષ 1977માં જન્મેલાં રેશ્મા સાથે લગ્ન કર્યા હતા. લગ્નગ્રંથિથી જોડાયા પહેલાં પ્રથમ લગ્ન વખતની પત્ની સાથે છૂટાછેડા મેળવીને બીજી વખતના વૈવાહિક જીવનનાં મંડાણ કર્યાં હતાં.
ચૂંટણીમાં રેશમા પતિ માટે પ્રચાર કરતાં હતાં : રેશમા પટેલના વૈવાહિક જીવન દરમિયાન દેશ-વિદેશમાં અનેક વખત સહેલગાહ માણી હતી. હાલ 67 વર્ષની વય ધરાવતા કોંગી નેતાએ પત્ની સાથેના અણબનાવની જાહેરાત કરતાં તેમનાં 23 વર્ષ લાંબું લગ્નજીવન ભંગાણના આરે છે.
ભરતસિંહ સોલંકી સાથે વૈવાહિક જીવન સાથે જોડાયેલાં રેશમા પટેલ રાજકીય મોરચે પણ સક્રિય રહ્યાં હતાં. છેલ્લી લોકસભાની ચૂંટણીમાં પણ તેમણે આણંદ જિલ્લાના ઘણા બધા વિસ્તારોમાં પ્રચાર-પ્રસારની બાગડોર હાથમાં લઈને ભરતસિંહ સોલંકીને જિતાડવા એડીચોટીનું જોર લગાવ્યું હતું.
મનસ્વીપણે વર્તતાં હોવાનો ભરતસિંહનો આક્ષેપ : પોતાના પતિના ચૂંટણીપ્રચાર માટે એકાદ-બે વર્ષ પહેલાં જ ઠેર ઠેર જોવા મળ્યાં હતાં, પરંતુ હાલમાં નોટિસમાં ઉલ્લેખ કરાયો છે કે ચાર વર્ષથી તેઓ કહ્યામાં નથી તેમજ મનસ્વીપણે વર્તી રહ્યાં છે. આ બાબતે હાલમાં બોરસદ ખાતે આવેલાં બંને નિવાસસ્થાને તપાસ કરી હતી, પરંતુ તેમનો સંપર્ક થઇ શક્યો નહોતો. રેશમા પટેલે વર્ષ 2019 દરમિયાન તેમની ફેસબુક વોલ પર મૂકેલી પોસ્ટમાં પણ પ્રેમભગ્નતાના આડકતરા સંદેશા આપ્યા હતા.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!