ભારતમાં કોરોના વાઇરસના દૈનિક કેસો હવે ચાર લાખથી વધુ સામે આવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૪.૧૪ લાખ કેસો નોંધાયા છે. જ્યારે આ મહિનામાં ત્રીજી વખત દૈનિક કેસ ચાર લાખથી વધુ નોંધાયા છે. બીજી તરફ દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા હવે ૩૬ લાખને પાર પહોંચી ગઇ છે જે કુલ કેસોના ૧૬.૯૬ ટકા છે. જ્યારે ૨૪ કલાકમાં વધુ 4200 લોકોના મોત નિપજ્યા છે અને કુલ મૃત્યુઆંક વધીને હવે ૨.૩૪ લાખને પાર પહોંચી ગયો છે.
કુલ કેસોની સંખ્યા બે કરોડ નજીક : બીજી તરફ કોરોનાના કુલ કેસો હવે ૨.૧૫ કરોડની નજીક પહોંચી ગયા છે. જે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં માત્ર ૨૦ લાખ હતા અને હવે સીધા બે કરોડથી પણ વધુ થઇ ગયા છે. જે ૨.૩૪ લાખ લોકો મોતને ભેટયા છે તેમાં ૭૩ હજારથી વધુ માત્ર મહારાષ્ટ્રના છે જ્યારે ૧૮ હજાર સાથે દિલ્હી બીજા અને ૧૭ હજાર મોત સાથે કર્ણાટક ત્રીજા ક્રમે છે. હાલ ૨૪ રાજ્યોમાં પોઝિટિવિટી રેટ ૧૫ ટકાથી વધુ છે. ૧૨ રાજ્યો એવા છે કે જ્યાં એક્ટિવ કેસો હાલ એક લાખથી વધુ છે.
૭૧ ટકા માત્ર ૧૦ રાજ્યોમાં : દેશમાં જે નવા કેસો ૨૪ કલાકમાં સામે આવ્યા છે તેના ૭૧ ટકા માત્ર ૧૦ રાજ્યોમાં છે, આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ વગેરેનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૬૨ હજાર જેટલા નવા કેસો નોંધાયા છે. જ્યારે કર્ણાટક ૪૯ હજાર, કેરળ ૪૨ હજાર નવા કેસો સાથે બીજા અને ત્રીજા ક્રમે છે.
આ મે મહિનામાં ત્રીજી વખત દૈનિક કેસો ચાર લાખને પાર ગયા છે. પહેલી મેએ જ દૈનિક કેસ ચાર લાખને પાર જતા રહ્યા હતા, જ્યારે ૨૧મી એપ્રીલે કોરોનાના દૈનિક કેસો ત્રણ લાખને પાર ગયા હતા અને પહેલી મેએ ચાર લાખને પાર, એટલે કે માત્ર ૧૦ જ દિવસમાં કોરોનાના દૈનિક કેસો એક લાખ વધી ગયા છે.
કોરોનાથી બચવા માટે હાલ રસિકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ૧૬મી જાન્યુઆરીથી રસી આપવાની શરૂઆત થઇ હતી, છેલ્લા ૨૪ કલાકમાં ૨૩ લાખ ડોઝ આપવામાં આવ્યા છે જ્યારે અત્યાર સુધીમાં કુલ ૧૬.૪૯ કરોડ ડોઝ રસીના આપવામાં આવ્યા છે. તેની સાથે જ ટેસ્ટિંગનુ પ્રમાણ પણ વધારવામાં આવ્યું છે.
છેલ્લા ૨૪ કલાકમાં જ કુલ ૧૮ લાખ જેટલા સેંપલ ટેસ્ટ કરાયા હતા અને અત્યાર સુધીમાં કુલ ટેસ્ટિંગનો આંકડો ૩૦ કરોડ નજીક પહોંચી ગયો છે. જેમ ટેસ્ટિંગ વધતુ જાય છે તેમ દૈનિક કેસોની સંખ્યા પણ વધી રહી છે. સરકાર લોકોને સામે ચાલીને ટેસ્ટિંગની અપીલ કરી રહી છે. જોકે ગ્રામિણ વિસ્તારોમાં હજુ પણ ટેસ્ટિંગનું પ્રમાણ શહેરોની સરખામણીએ ઘણુ ઓછુ જોવા મળી રહ્યું છે.
કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે યુકેમાં મોકલવા માટે રાખવામા આવેલ કોવિશિલ્ડ વેક્સિનના 50 લાખ ડોઝ હવે એક્સપોર્ટ કરવામાં આવશે નહીં. તેના બદલે, આ વેક્સિન દેશમાં 18 થી 44 વર્ષની વયના લોકોને આપવામાં આવશે.
કોરોનાના વધતા જતા કેસો વચ્ચે ભારતને આખી દુનિયાની મદદ મળી રહી છે. અત્યાર સુધીમાં 4,468 ઓક્સિજન કન્સન્ટ્રેટર, 3,417 ઓક્સિજન સિલિન્ડર, 13 ઓક્સિજન જનરેશન પ્લાન્ટ, 3,921 વેન્ટિલેટર/બાયપેપ/સીપેપ અને વિવિધ દેશોમાંથી રેમડેસિવિર ઇન્જેક્શનની 3 લાખથી વધુ શીશીઓ મળી છે.
પ્રિન્સિપલ વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવને કહ્યું છે કે જો આપણે કડક પગલાં ભરીશું તો થઈ શકે છે કે કોરોનાનો ત્રીજી લહેર બધી જગ્યાએ ન આવે અથવા ન પણ આવે. આ ઘણું બધુ તે વાર પર નિર્ભર કરે છે કે સ્થાનિક સ્તરે, રાજ્યોમાં, જિલ્લાઓમાં અને શહેરોમાં ગાઈડલાઇન કેટલી અસરકારક રીતે લાગુ થઈ છે.
કોરોના દર્દીઓની સારવાર કરતી હોસ્પિટલો, દવાખાનાઓ અને કોવિડ કેર સેન્ટર્સ હવે બે લાખ રૂપિયાથી વધુનું પેમેન્ટ કેશ લઈ શકશે. કેન્દ્ર સરકારે શુક્રવારે તેને મંજૂરી આપી હતી. આ છૂટ 31 મે સુધી રહેશે.
કોરોનાને ધ્યાનમાં રાખીને ગોવામાં 15 દિવસનો કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. તેની શરૂઆત રવિવારથી થશે. રાજ્યના સીએમ પ્રમોદ સાવંતે શુક્રવારે આ માહિતી આપી હતી.
મહારાષ્ટ્ર : શુક્રવારે 54,022 લોકોને સંક્રમણ લાગ્યું હતું. 37,386 લોકો સ્વસ્થ થયા અને 898 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 49.96 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 42.65 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 74,413 લોકોના મોત થયા છે. હાલમાં 6.54 લાખ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.
ઉત્તરપ્રદેશ : અહીં શુક્રવારે, 27,763 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. 33,117 લોકો સાજા થયા અને 372 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 14.53 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 11.84 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 14,873 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 2.54 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.
દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં શુક્રવારે 19,832 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 19,085 લોકો સ્વસ્થ થયા અને 341 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 12 લાખ 92 હજાર લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 11 લાખ 83 હજાર લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 18,739 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 91,035 ની સારવાર ચાલી રહી છે.
છત્તીસગઢ : શુક્રવારે, 13,628 લોકોને કોરોનાથી સંક્રમણ લાગ્યું હતુ. 13,624 લોકો સાજા થયા અને 208 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 8.30 લાખ લોકોને સક્રમણ લાગ્યું છે. તેમાં 6.88 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 10,158 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 1.31 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.
ગુજરાત : શુક્રવારે રાજ્યમાં 12,064 લોકો પોઝિટિવ માલી આવ્યા હતા. 13,085 લોકો સ્વસ્થ થયા અને 119 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 6.58 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 5.03 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 8,154 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અહીં 1.46 લાખ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
મધ્યપ્રદેશ : શુક્રવારે રાજ્યમાં 11,708 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 4,815 લોકો સાજા થયા અને 84 લોકો મૃત્યુ પામ્યા. અત્યાર સુધીમાં 6.49 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાં 5.47 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 6,244 લોકો મૃત્યુ પામ્યા છે. અહીં 95,423 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!