ડોક્ટરોની હડતાળ : ગુજરાતના 28 હજારથી વધુ ખાનગી ડોક્ટરો હડતાળ પર, કોવિડ-ઇમર્જન્સી સિવાયની તમામ સેવાઓ બંધ..

0
323

શા માટે ડોકટરો કરી રહ્યા છે હડતાળ ??

આયુર્વેદિક ડોક્ટરોને આંખ, કાન, નાક, ગળા સહિતની 58 પ્રકારની સર્જરી કરવાની છૂટ આપવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે આજે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા એક દિવસીય હડતાળ પાડવામાં આવી છે, જેમાં ગુજરાતના 28 હજારથી વધુ ખાનગી ડોક્ટરો હડતાળ પર જોડાયા છે.

આજે સવારે AMA ખાતે ડોકટરોએ એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાંચ, અમદાવાદ મેડિકલ એસોસિયેશન સાથે જોડાયેલા તબીબો સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી કામકાજથી અળગા રહીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. આ હડતાળમાં કોરોના ઉપરાંત ઈમર્જન્સી સેવાઓને કોઈ અસર નહિ થાય, પરંતુ એ સિવાયની તમામ સેવાઓ બંધ રાખવામાં આવી છે.

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન ગુજરાતના સેક્રેટરી ડો. કમલેશ સૈનીએ કહ્યું હતું કે શુક્રવારે તમામ પ્રકારની બિન-કોવિડ સેવાઓ, જેવી કે ઓપીડી, પ્લાન્ડ સર્જરી, ઓપરેશન વગેરે બંધ રહેશે. ઇમર્જન્સી, લેબર, પેથોલોજી અને કોવિડની સારવાર વગેરે ચાલુ રહેશે. કોરોનાના દર્દીઓને સારવાર મળી રહેશે, બાકીની તમામ સેવાઓ બંધ રાખવામાં આવશે.

ગત મંગળવારે ડોક્ટરોએ વિરોધપ્રદર્શન અને ધરણાં કર્યાં હતાં..

ગત મંગળવારે આયુર્વેદિક ડોક્ટરોને સર્જરીની મંજૂરીના વિરોધમાં સુરત આઈએમએ સાથે જોડાયેલા તબીબો દ્વારા વિવિધ જગ્યાએ વિરોધપ્રદર્શન અને ધરણાં કર્યાં હતાં.

આયુર્વેદિક પ્રેક્ટિસ કરતા એમ.ડી. ડોક્ટરો 58 સર્જરી કરી શકે એ નિર્ણયને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. તેમાં આયુર્વેદના ડોક્ટરો જનરલ અને ઓર્થોપેડિક સર્જરીની સાથે આંખ, કાન, નાક, ગળું અને દાંતની પણ સર્જરી કરી શકશે, એ માટે મોડર્ન મેડિસિન શાખાના તબીબો નારાજ થયા છે.

સરકારના આ નિર્ણયના વિરોધમાં આઈએમએ દ્વારા ગત મંગળવારે મજૂરાગેટ, તાડવાડી રાંદેર રોડ, ભટાર, વરાછા, નવી સિવિલ હોસ્પિટલ, સ્મિમેર અને કામરેજ ખાતે અલગ અલગ જગ્યાએ ધરણાં અને વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ત્યારે આજે (11મી ડિસેમ્બરે) શહેરના 3000થી વધુ તબીબો અને 500 જેટલી હોસ્પિટલો અને નર્સિંગ હોમ સવારે 6:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા દરમિયાન પોતાના રુટિન કાર્યથી દૂર રહેશે. જોકે આ સમય દરમિયાન ઈમર્જન્સી અને કોવિડને લગતી સેવાઓ ચાલુ રહેશે.

લેખન સંપાદન : Infogujarat Team

તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો, સરકારી યોજના તેમજ સરકારી નોકરીની જાણકારીઓ માટે આજે જ અમારું ફેસબુક પેજ infogujaratofficial લાઈક કરો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here