રાજ્યમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને રોકવા માટે આજે રાજ્ય સરકારે વધુ એક નિર્ણય કર્યો છે. સરકારે સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેને પગલે 10 એપ્રિલ સુધી સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે. આમ હવે તમામ ધોરણના વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવવામાં આવશે. આ અંગે કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ ઉપરાંત આવતીકાલથી શરૂ થનારી કોલેજ અને યુનિવર્સિટીની પરીક્ષા પણ 10 એપ્રિલ સુધી મોકૂફ રાખવામાં આવી છે.બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં કોરોનાના સંક્રમણને રોકવા માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં એક મહિના પહેલા શરુ થયેલી સ્કૂલો અને કોલેજો બંધ રાખવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બરાબર એક વર્ષ બાદ ફરી સ્કૂલ-કોલેજો બંધ કરી
ગત વર્ષે સ્કૂલ-કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય 16 માર્ચથી બંધ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ જાન્યુઆરીથી ફેબ્રુઆરી દરમિયાન તબક્કાવાર ધોરણ 6થી 12ની સ્કૂલો અને કોલેજો ખોલવામાં આવી હતી. પરંતુ એક વર્ષમાં જ કોરોનીની સ્થિતિ ત્યાંની ત્યાં જ આવી જતા 18 માર્ચે ફરી સ્કૂલ-કોલેજો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જાન્યુઆરી અને ફેબ્રુ.માં ઓફલાઈન શિક્ષણ શરૂ થયું હતું
આ પહેલા 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો ખોલવામાં હતી. જેને પગલે ધોરણ 10 અને 12, પીજી અને છેલ્લા વર્ષના કોલેજના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ રાજ્યમાં ધો. 9 અને 11ની સ્કૂલો 1 ફેબ્રુઆરી શરૂ કરવામાં આવી હતી. તેમજ ધોરણ 9થી 12 અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસિસને મંજૂરી આપી હતી. 9થી 12ની સ્કૂલો અને કોલેજો ખોલ્યા બાદ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે 8મી ફેબ્રુઆરીથી કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શિક્ષણ પુન: શરૂ કરવાની જાહેરાત કરી હતી.
સંચાલકોની પણ સ્કૂલો બંધ કરવાની ઈચ્છતા હતા
પ્રાથમિક સ્કૂલમાં બાળકો એકસાથે ભણતાં તેમજ મસ્તી કરતાં હોય છે, ત્યારે જો કોઈ એકમાં પણ કોરોનાનાં લક્ષણો જણાય તો અન્ય પણ સંક્રમણનો ભોગ બની શકે છે એવો ડર હવે વાલીઓમાં વધી રહ્યો હતો અને એ જ કારણે સ્કૂલ ચાલુ થતાં શરૂઆતમાં 60 ટકા જેટલા વિદ્યાર્થીઓ ઓફલાઈન શિક્ષણ માટે સ્કૂલે આવતા હતા, પરંતુ હાલમાં 30 ટકાથી પણ ઓછા વિદ્યાર્થીઓ સ્કૂલે આવે છે, જ્યારે અન્ય ઘરેબેઠા ઓનલાઈન શિક્ષણ લઈ રહ્યા છે.બીજી તરફ, સ્કૂલોના સંચાલકો પણ બાળકોના હિતને ધ્યાનમાં રાખીને જ્યાં સુધી ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં ન આવે ત્યાં સુધી સ્કૂલો બંધ રહે તેવી ઇચ્છા ધરાવતા હતા.
બાળકો સ્કૂલ કરતાં ઘરેબેઠા આપી રહ્યા છે પરીક્ષા
હાલમાં ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે, પરંતુ મોટા ભાગનાં બાળકો સ્કૂલે આવવાની જગ્યાએ ઘરેબેઠા જ પરીક્ષા આપી રહ્યાં છે. વાલીઓ પણ સ્થિતિને જોતાં પોતાનાં બાળકોને સ્કૂલે મોકલતાં ડરી રહ્યા છે; ત્યારે આગામી 4 મેથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે, જેથી વિદ્યાર્થીઓને કોરોનાના સંક્રમણથી દૂર રાખવા માટે શિક્ષણ વિભાગ દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે.
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સમયે જો કોઈ વિદ્યાર્થીને તાવ, શરદી, ખાંસી તેમજ ટેમ્પરેચર વધારે જણાશે તો તે વિદ્યાર્થીને અલગ રૂમમાં બેસાડવામાં આવશે, જેથી અન્ય કોઈ વિદ્યાર્થીમાં સંક્રમણનો ભય ન રહે. જોકે હાલની સ્થિતિને જોતાં હવે બોર્ડની પરીક્ષા સમયે શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા સમયે કેટલાક નવા નિયમો પણ અમલમાં લાવવામાં આવી શકે છે.
4 મહાનગરોમાં 31 માર્ચ સુધી રાત્રિ કરફ્યુ અમલમાં રહેશે
15 માર્ચે રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં લાદવામાં આવેલા રાત્રિ કર્ફ્યુની મુદત પૂરી થઈ ગઈ હતી. જેને પગલે સરકારની કોર કમિટીની બેઠકમાં કોરોનાની સ્થિતિના આધારે રાત્રિ કર્ફ્યુનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂનો નિર્ણય લેવાયો હતો. રાત્રિ કરફ્યુની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે.રાજ્ય સરકારે આ ચારેય મહાનગરોમાં મંગળવાર 16 માર્ચ સુધી રાત્રિ કરફ્યુના સમયની અગાઉની વ્યવસ્થા એટલે કે રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો.
લેખન સંપાદન : Infogujarat Team
નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!