ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં ડેલ્ટા વેરિઅન્ટના કેસોની સંખ્યા વધીને 65 થઇ જતાં 50 લાખની વસ્તીને એક સપ્તાહ માટે લોકડાઉનમાં રહેવાનો વારો આવ્યો છે. આ કેસમાં 22 સ્થાનિક કેસનો પણ સમાવેશ થાય છે. ડેલ્ટા વેરિઅન્ટના કેસોની સંખ્યા વધવાને પગલે સિંગાપોર, હોંગકોંગ અને ચીનની કોવિડ ઝીરો વ્યૂહ રચના સામે સવાલ થઇ રહ્યા છે.
આ દેશોએ કોરોના વાઇરસ તેમના ત્યાં ન પ્રસરે તે માટે બધાથી અલગ રહેવાની નીતિ અપનાવી હતી પણ તે હવે આકરી પડી રહી છે. મોટા પાયે રસીકરણ કરનારા દેશોમાં હવે રીઓપનિંગ શરૂ થઇ રહ્યું છે પણ આ ઝીરો કોવિડ વ્યૂહરચના ધરાવતાં દેશોમાં સ્થિતિમાં સુધારો થવાને બદલે કોરોનાના ડેલ્ટા વેરિએન્ટને કારણે લોકડાઉન ફરી લાદવાનો વારો આવ્યો છે.
બ્રિટનમાં ડેલ્ટા વેરિએન્ટના વધુ 35,204 કેસ : બ્રિટનમાં ડેલ્ટા વેરિએન્ટના વધુ 35,204 કેસ નોંધાતા દોડદામ મચી ગઈ હતી. બ્રિટનમાં કોરોનાના કુલ 1,11,157 કેસ નોંધાયા હતા, એમાંથી 46 ટકા ડેલ્ટા વેરિેએન્ટના કેસ જોવા મળ્યા હતા.
બ્રિટિશ પબ્લિક હેલ્થ વિભાગના કહેવા પ્રમાણે ડેલ્ટા વેરિએન્ટ સૌપ્રથમ ભારતમાં નોંધાયો હતો. એ પછી હવે બ્રિટનમાં એનો ઝડપભેર ફેલાવો થઈ રહ્યો છે. બ્રિટનમાં ડેલ્ટા પ્લસનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે. બ્રિટનના હેલ્થ વિભાગે ઉમેર્યું હતું કે બ્રિટિશ હોસ્પિટલમાં 514 કેસ નોંધાયા હતા. એમાંથી 304 લોકો એવા હતા, જેમણે વેક્સિન લીધી ન હતી.
વેક્સિન સાથે ડેલ્ટા વેરિએન્ટનો સંબંધ હોવાનો સંકેત આપીને હેલ્થ વિભાગે વેક્સિન લેવાની ભલામણ કરી હતી. બ્રિટનમાં ડેલ્ટા વેરિએન્ટના સંક્રમણ પછી 117 લોકોનાં મોત થયા હતા. એમાંથી આઠ લોકો 50 વર્ષથી નીચેની વયના હતા. એ આઠમાંથી છ લોકોએ વેક્સિન લીધી ન હતી. બે લોકો એવા હતા, જેમણે પ્રથમ ડોઝ લીધાના 21 દિવસ થયા હતા અને ત્યાર પછી તેમને સંક્રમણ થતાં મૃત્યુ થયું હતું.
ત્રીજું મોજું વધારે વિનાશક બની રહ્યું : દરમ્યાન વિશ્વ આરોગ્ય સંસ્થાના આફ્રિકાના પ્રાદેશિક ડાયરેકટરે જણાવ્યું હતું કે કોરોના મહામારીનું ત્રીજું ઝડપથી ફેલાઇ રહેલું મોજું વધારે વિનાશક બની રહ્યું છે. આફ્રિકાની વસ્તીના રક્ષણ માટે રસી આપવાની અપીલ કરતાં તેમણે જણાવ્યું હતું કે સ્થિતિ ચિંતાજનક છે.
આ મોજું આફ્રિકા માટે સૌથી વધારે ખરાબ નીવડે તેવી આશંકા છે. એક અંદાજ અનુસાર આફ્રિકન દેશોમાં કોરોનાના પાંચ મિલિયન કરતાં વધારે કેસો નોંધાયા છે. અને 1,40,000 જેટલા લોકોના મોત થયા છે.
દરમ્યાન યુએસએમાં સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન-સીડીસી દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો કોરોનાની રસીના બંને ડોઝ મેળવનારી વ્યક્તિને કોરોનાના ચેપના લક્ષણોનો અનુભવ થાય તો તેણે પોતાને આઈસોલેટ કરી લઇને તેના કોરોના પોઝિટિવ રિઝલ્ટની આરોગ્ય કર્મચારીન જાણ કરવી જોઇએ.
ડોક્ટરને મળવા માટે જો બહાર જવું પડે તો આવી વ્યક્તિએ માસ્ક પહેરીને જવું જોઇએ અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું જોઇએ. કોરોનાની રસી લેવાથી હોસ્પિટલાઇઝેશન અને મોત ટાળી શકાય છે. તથા વાઇરસનો ચેપ ફેલાવાનું જોખમ પણ ઘટે છે.
રસીના બંને ડોઝ લેનાર વ્યક્તિને ફરી કોરોનાનો ચેપ લાગવાનું જોખમ ખૂબ ઓછું છે પણ આવો ચેપ લાગી શકે છે તેમ ડોક્ટરોએ જણાવ્યું હતું. દરમ્યાન જાપાને કોરોના મહામારી સામે લડવામાં ભારતને સહાય કરવા માટે 9.3 મિલિયન ડોલરની કિંમતના કોલ્ડ ચેઇન ઉપકરણો પુરા પાડવાની જાહેરાત કરી હતી.
જાપાનની ઇમરજન્સી ગ્રાન્ટ એઇડ સ્કીમ હેઠળ કોલ્ડ સ્ટોરેજ ફેસિલિટી જેવી સુવિધાઓ ઉભી કરવામાં સહાય કરવામાં આવશે. કોરોના મહામારીને કારણે ઘરમાં બાળ સંભાળ રાખવાની કામગીરીમાં વધારો થયો હોવા છતાં આ ભાર સ્ત્રી-પુરૂષ સમાન ધોરણે વહેંચાયો નથી.ઘરમાં વધારે સમય આપવાની માગને કારણે મહિલાઓને અબજો ડોલરની આવક ગુમાવવી પડી છે.
ઘરમાં બાળ સંભાળ રાખવાની કામગીરીમાં વધારો : સેન્ટર ફોર ગ્લોબલ ડેવલપમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર ગયા વર્ષે મહિલાઓએ બાળકોની સંભાળ માટે વધારાના 173 કલાક કામ કર્યું હતું તેની સામે પુરૂષોએ વધારાના 59 કલાક બાળ સંભાળ માટે ફાળવ્યા હતા. મધ્યમ અને ઓછી આવક ધરાવતા દેશોમાં આ અંતર વધારે જણાયુ હતું.અભ્યાસમાં જણાવ્યા અનુસાર ભારતમાં મહિલાઓએ પુરૂષો કરતાં દસ ગણો વધારે બોજ વહન કર્યો હતો.
મોડેલિંગ સ્ટડી અનુસાર ચીનમાં કોરોના વાઇરસ ફેલાવાની શરૂઆત ઓક્ટોબર 2019માં જ થઇ ગઇ હતી. ચીનની સરકારી જાહેરાત અનુસાર વુહાનમાં કોરોનાનો પહેલો કેસ બે મહિના પછી નોંધાયો હતો. જર્નલ પ્લોસ પેથોજન્સમાં પ્રકાશિત આ અભ્યાસ અનુસાર ચીનમાં 17 નવેમ્બરે કોરોનાનો પહેલો કેસ નોંધાયો હોવો જોઇએ.
ચીને કોરોનાનો પહેલો સત્તાવાર કેસ ડિસેમ્બર 2019માં નોંધાયો હોવાની જાહેરાત કરી હતી. યુકેમાં આવેલી યુનિવર્સિટી ઓફ કેન્ટમાં વિવિધ જાતિઓના નિકંદનની તારીખ નક્કી કરવા માટે વિકસાવવામાં આવેલા ગણિતિય મોડેલને સંશોધક ડેવિડ રોબર્ટસ દ્વારા રિપરપઝ કરવામાં આવ્યું હતું.
આ મોડેલ અનુસાર જાન્યુઆરી 2020 બાદ કોરોના વાઇરસ ચીનની બહાર પણ પ્રસરવા માંડયો હતો. જાપાનમાં પહેલો કેસ જાન્યુઆરીએ અને થાઇલેન્ડમાં પહેલો કેસ સાત જાન્યુઆરીએ નોંધાયો હોવો જોઇએ. યુરોપમાં સ્પેનમાં પહેલો કેસ બાર જાન્યુઆરીએ અને દક્ષિણ કોરિયામાં 14 જાન્યુઆરીએ નોંધાયો હતો.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!