ગુજરાતમાં આવેલું ગીરનું જંગલ એશિયાટિક સિંહોના વસવાટનું જગતનું એકમાત્ર સ્થાન ગણાય છે. છેલ્લા કેટલાક સમયથી સરકારના એકધારા પ્રયત્નો, જંગલ વિભાગની સારસંભાળ અને સ્થાનિકોના સિંહપ્રેમના કારણે સિંહોની વસતિમાં નોંધપાત્ર વધારો થયો છે, પરંતુ સિંહોની સતત વધતી વસતિ સામે ગીરના જંગલ વિસ્તારનું સંકોચન થઈ રહ્યું છે, જેને લીધે સિંહો અન્ય વિસ્તારોમાં પ્રસરીને હવે તો છેક રાજકોટની ભાગોળ સુધી પહોંચી ગયા છે.
રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલા ગીર ફોરેસ્ટ મેનેજમેન્ટ પ્લાન અધકચરો, અપૂરતો છે અને તેમાં અનેક સુધારાઓ આવશ્યક છે એવી દલીલ સાથે વન્યપ્રેમીઓની સ્વૈચ્છિક સંસ્થા સેવ લાયન દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. હાઈકોર્ટ દ્વારા સરકારનો જવાબ માગવામાં આવ્યો છે, પરંતુ બે મુદત સુધી સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો નથી. હવે આગામી ફેબ્રુઆરીમાં ફરીથી મુદત પડી છે.
દરમિયાન સેવ લાયનના મયંક ભટ્ટને અકળ કારણોસર વડોદરા પોલીસ દ્વારા તેમના નિવાસસ્થાને નજરકેદ કરી દેવાયા છે. આ અંગે દિવ્ય ભાસ્કરે મયંક ભટ્ટ ઉપરાંત ગીરના અભ્યાસુ તરીકે જાણીતા રમેશ રાવળ સહિતના વન્યપ્રેમીઓ સાથે વાત કરી હતી અને હાલના મેનેજમેન્ટ પ્લાનની ખામીઓ તેમજ સૂચિત સુધારાઓ વિશે વિગતે માહિતી મેળવી હતી.
PIL કરનાર મયંક ભટ્ટ નજરકેદ
હાલમાં વન વિભાગ અને સરકાર જે પ્રમાણે સિહ અને ગીર બાબત જે કાર્યપદ્ધતિ અપનાવી રહ્યા છે એ ગીર મેનેજમેન્ટ પ્લાનને અનુસાર નહીં, પરંતુ એડહોક કાર્યપદ્ધતિથી ચાલી રહ્યું છે, જેને કારણે હાલમાં એશિયાઈ સિંહની હાલત કફોડી બની છે. સિંહોની સંખ્યા વધે છે અને ગીરનો વિસ્તાર ઘટી રહ્યો છે. હાલનો મેનેજમેન્ટ પ્લાન અનેક ખામીઓ ધરાવે છે અને તેમાં સુધારાની તાતી આવશ્યકતા છે.
અમે આ અંગે જુલાઈ, 2019માં મુખ્યમંત્રી વિજય રુપાણી સહિત વનમંત્રી અને ઉચ્ચ અધિકારીઓને વિધિવત અરજી કરી હતી. એ પછી પણ એ દિશામાં કોઈ હકારાત્મક પ્રયાસો હાથ ન ધરાતાં અમે ઓક્ટોબર, 2020માં ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરી છે. હાઈકોર્ટમાં બે મુદત પડી છે. કોર્ટના આદેશ છતાં સરકાર તરફથી જવાબ આપવામાં આવ્યો નથી અને હવે આગામી 4 ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરાશે.
દરમિયાન છેલ્લા કેટલાક દિવસથી મને નજરકેદ કરી દેવાયો છે. હું આંદોલન કરીશ એવો કદાચ સરકારને ડર છે. ગીરનું જંગલ અને સિંહો એ સમગ્ર ગુજરાત અને ભારતની ગૌરવપ્રદ નૈસર્ગિક સંપત્તિ છે. એની યોગ્ય જાળવણી થાય એ જ અમારો હેતુ છે.
સંખ્યા તો વધી, પણ સંવર્ધનનું શું?
સિંહોની જાળવણી માટે જીવન સમર્પિત કરી ચૂકેલા જાણીતા સિંહપ્રેમી રમેશ રાવળે આ અંગે કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી સિંહોની સંખ્યામાં વૃદ્ધિ થઈ છે અને આપણે સૌ તેનું ગૌરવ અનુભવીએ છીએ, પણ આપણે એ વાતથી સદંતર બેખબર છીએ કે સિંહ ઘર વગરના થઈ રહ્યા છે. એક સમયે જૂનાગઢ, અમરેલી અને પછી ભાવનગર એમ કુલ ચાર જિલ્લામાં જોવા મળતા સિંહ હવે ગુજરાતના 8 જિલ્લાઓમાં પહોંચી ગયા છે, તેનું કારણ સિંહોની વધેલી સંખ્યા ઉપરાંત સિંહનું પોતાના જ ઘર, ગીરમાં બેઘર થઈ જવાનું કારણ પણ મુખ્ય છે.
સરકાર ટૂરિઝમ વધારવામાં વ્યસ્ત છે. ટૂરિઝમની વધેલી આવક બતાવે છે, પણ ગીરના જંગલનું, વૃક્ષોનું, માટીનું ધોવાણ થતું જાય છે, સિંહને પોતાના જ ઘરમાં ખોરાક મળતો નથી. સિંહનો મુખ્ય ખોરાક દુધાળા ઢોર હોય છે, પણ હવે છેલ્લા કેટલાક વખતથી સિંહ નીલગાયનો શિકાર કરતા થઈ ગયા છે, કારણ કે જંગલમાં પૂરતા મારણ મળતા નથી.
લાયન શોના નામે સિંહને તૈયાર મારણ ધરીને મૂળભૂત શિકારની વૃત્તિ ધરાવતાં પ્રાણીની આદતો બગાડાઈ રહી છે. આ દરેક બાબતોએવી છે જે આજે ગમે તેટલી સંખ્યા વધી હોય તોપણ, જો તાત્કાલિક સુધારો કરવામાં નહિ આવે તો જતે દિવસે સિંહના અસ્તિત્વ સામે જોખમરૂપ બની શકે છે.
કોણે કરી છે PIL? શા માટે?
ગુજરાત હાઈકોર્ટ સમક્ષ થયેલા જાહેરહિતની અરજીમાં ગીર મેનેજમેન્ટ પ્લાનનાં છીંડાં સામે આંગળી ચીંધવામાં આવી છે. આ અરજી કરનારા પૈકી ડી.એમ.નાયક રિટાયર્ડ IFS અધિકારી છે. વન્ય સંપદા અને જીવસૃષ્ટિના સંવર્ધન ક્ષેત્રે 35 વર્ષ સુધી સેવા આપી ચૂક્યા છે.
રમેશ રાવળ વાઈલ્ડલાઈફ વોર્ડન રહી ચૂક્યા છે અને ગીરના અભ્યાસુ તરીકે દેશભરમાં નામના ધરાવે છે. મયંક ભટ્ટ વાઈલ્ડલાઈફ એક્ટિવિસ્ટ છે. દર વર્ષે ગીરનાં જંગલોના સંવર્ધન અને જાળવણી સંદર્ભે દેશવ્યાપી સેમિનારનું આયોજન કરે છે. આ ત્રણેય નિષ્ણાતોની સાથે ગીર સાથે સંકળાયેલી સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યકરો પણ જાહેરહિતની અરજીને પીઠબળ આપી રહ્યા છે. હાઈકોર્ટ સમક્ષ થયેલી અરજીમાં કહેવાયા મુજબ,
1. સરકાર દ્વારા એકત્ર કરાતા ડેટાથી વન્યજીવોની સંખ્યા વ. વિશે માહિતી જરૂર મળે છે. પરંતુ વધતી સંખ્યાને જાળવી રાખવા અને ગીર ફોરેસ્ટનું વૈવિધ્ય ટકાવી રાખવા અંગેના કોઈ લાંબા ગાળાનાં આયોજનો જણાતાં નથી.
2. વાઈલ્ડલાઈફ એક્ટ અનુસાર, રાજ્ય સરકારે વિવિધ નિષ્ણાતોની એડવાઈઝરી તો નીમી છે, પણ એ સલાહકારોએ શું સૂચનો આપ્યાં અને એના પર શું અમલ કરાયો એ કદી જાહેર કરાતું નથી. વિવિધ કારણોથી ફોરેસ્ટ વિભાગ દ્વારા આ સલાહકારોને ગંભીરતાપૂર્વક લેવાતા ન હોવાની છાપ ઊપસે છે.
3. હાલનો ગીર મેનેજમેન્ટ પ્લાન એ વખતનો છે જ્યારે સિંહોની વસતિ વધે એ મુખ્ય મુદ્દો હતો. હવે જ્યારે સિંહોની વસતિ નોંધપાત્ર સંખ્યામાં વધી રહી છે ત્યારે આ પ્લાન અપૂરતો છે.
4. હવે એ દિશામાં વિચારવાની જરૂર છે કે સિંહોની વધતી વસતી અને ગીરની સંકોચાતી જતી સીમાઓનું સંતુલન કેમ સાધવું? કેવી રીતે જંગલનું જૈવવૈવિધ્ય (Biodiversity) જાળવી રાખવું અને તેને સમૃદ્ધ કરવું? આ અને આવા અનેક સવાલો અંગે હાલનો મેનેજમેન્ટ પ્લાન અપૂરતો છે. તેમાં વન્યજીવ નિષ્ણાતોની સલાહ મુજબ સુધારા થવા જોઈએ અને નવો પ્લાન અમલમાં મૂકવો જોઈએ.
લેખન સંપાદન : Infogujarat Team
તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,સરકારી યોજનાઓ અને સરકારી નોકરીઓ તેમજ તમામ સમાચારો સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારા ફેસબુક પેજ infogujaratofficial ને લાઈક કરો..