ભારત સહિત દુનિયાભરમાં એક તરફ કોરોના વાયરસ માટેની વેક્સિનની રાહ જોવાઈ રહી છે ત્યાં બીજી તરફ યુરોપીય દેશોમાં કોરોનાનો નવો પ્રકાર ધ્યાનમાં આવતા યુરોપ સહિત દુનિયાના અન્ય દેશો સતર્ક થયા છે. ભારતે પણ બ્રિટન અને ભારત વચ્ચેની ફ્લાઈટ ઉપર તાત્કાલિક રોક લગાવી દીધી હતી. પરંતુ તેમ છતાં ભારતમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કેસ મળી આવ્યા છે.
ભારત સરકાર તરફથી મંગળવારે આ બાબતની જાણકારી આપવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ બાબતની પુષ્ટિ આપતા જણાવ્યું કે યુનાઈટેડ કિંગડમથી ભારત પરત ફરેલા 6 મુસાફરોમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના લક્ષણો જોવા મળ્યા હતા. જેમાંથી ત્રણ બેંગ્લોર, 2 હૈદરાબાદ અને 1 પુણેની લેબમાં તપાસવામાં આવેલ સેમ્પલમાં નવો સ્ટ્રેન મળી આવ્યો હતો.
આ તમામ છ લોકોને જે-તે રાજ્ય સરકાર દ્વારા સેલ્ફ આઈસોલેટ કરવામાં આવ્યા છે અને તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને પણ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. તેમજ અન્ય લોકોની પણ જાણકારી મેળવવામાં આવી રહી છે.
25 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધી કુલ યુકેથી લગભગ 33 હજાર લોકો ભારત આવ્યા હતા. યુકેમાં કોરોનાનો નવો પ્રકાર જોવા મળતા આ તમામ લોકોને ટ્રેક કરીને તેમના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા. જેમાંથી કુલ 114 લોકો કોરોના પોઝિટીવ આવ્યા હતા. ત્યારબાદ આ તમામના સેમ્પલ દેશની જુદી-જુદી કુલ 10 લેબમાં મોકલવામાં આવ્યા હતા.
યુકેથી ભારત આવેલા જીનોમ સ્કિવેન્સિંગ કરવામાં આવેલ હતું જેનો રિપોર્ટ મંગળવારે જારી કરવામાં આવ્યો હતો. જેમાં આ જાણકારી મળી હતી.
ઉલ્લેખનીય છે કે કોરોના સ્ટ્રેનના કારણે ભારતે 23 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધીની ભારત અને બ્રિટન વચ્ચે આવન-જાવન કરનારી તમામ ફ્લાઈટ ઉપર રોક લગાવી દેવામાં આવી હતી. તેમજ જે શિડ્યુલ્ડ ફ્લાઈટ હતી તેના મુસાફરોનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
કોરોના વાયરસનો નવો પ્રકાર સૌથી પહેલા બ્રિટનમાં ધ્યાનમાં આવ્યો હતો. જે અંગે વૈજ્ઞાનિકો દ્વારા જણાવવામાં આવ્યું કે તે કોરોનાના જુના વાયરસ કરતા વધુ ઘાતક અને ઝડપથી ફેલાતો વાયરસ છે. યુરોપીય દેશોમાં કોરોના વાયરસ સંક્રમણમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. ફ્રાંસમાં કોરોનાના કેસ 25 લાખ 62 હજાર સુધી પહોંચી ગયા છે. બ્રિટનમાં કોરોનાના કેસ નો આંકડો 23 લાખ થયો છે. જયારે ઇટલીમાં કોરોનાના 20 લાખ કેસ નોંધાઈ ચુક્યા છે. આ સિવાય અન્ય દેશો સ્પેન, જર્મની, સ્વીડન અને બેલ્જિયમમાં પણ કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે.
લેખન સંપાદન : Infogujarat Team
તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,સરકારી યોજનાઓ અને સરકારી નોકરીની જાણકારીઓ માટે આજે જ અમારા ફેસબુક પેજ infogujaratofficial ને લાઈક કરો..