ઈસુદાન ગઢવી પત્રકારત્વ છોડીને AAPના નેતા કેમ બન્યા? જાણો સંપૂર્ણ કહાની…!

0
283

ઈસુદાન ગઢવી કોણ છે અને કેવી છે કારકિર્દી? : સોમવારે ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા એ સાથે તેમનો રાજકારણપ્રવેશ થયો છે. આ પહેલાં ઈસુદાન ગઢવી વ્યવસાયે પત્રકાર હતા અને તેઓ ગુજરાતની પ્રાદેશિક ન્યૂઝ ચેનલ વીટીવીના સંપાદક હતા અને ‘મહામંથન’ નામના ડિબેટ કાર્યક્રમથી તેમની પ્રસિદ્ધિ વધી હતી.

39 વર્ષના ઈસુદાન અમદાવાદમાં રહે છે પણ તેઓ મૂળે જામખંભાળિયાના પીપળિયાના છે અને તેમના પિતા ખેરાજભાઈ ખેડૂત હતા. વર્ષ 2005માં અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમ અને માસ કૉમ્યુનિકેશનમાં અનુસ્નાતકનો અભ્યાસ કર્યા બાદ ઈસુદાન દૂરદર્શનમાં પ્રસારિત થતા શો સાથે જોડાયા હતા.

વર્ષ 2007થી 2011 દરમિયાન તેઓ પોરબંદરમાં પ્રદેશિક ચેનલ માટે પત્રકાર તરીકે કામ કરતા હતા. જે બાદ તેઓ 2015માં વીટીવી ચેનલમાં ચેનલહેડ તરીકે જોડાઈ ગયા હતા.

વીટીવીમાંથી રાજીનામું અને રાજકીય અટકળોની શરૂઆત : જૂન 2021ની શરૂઆતમાં જ ઈસુદાને રાજીનામું આપી દીધું અને એ સાથે જ તેઓ રાજનીતિમાં જોડાશે એવી અટકળો વહેતી શરૂ થઈ ગઈ હતી. ‘પત્રકારત્વ છોડીને જનતા માટે કામ કરવાની’ તેમણે કરેલી જાહેરાતને પણ આ અટકળો સાથે સંધાન હતું.

જે બાદ ત્રીજી જૂને ઈસુદાન ગઢવીએ ફેસબુક લાઇવ કરીને અટકળોના જવાબ આપ્યા હતા. જોકે તેઓ કોઈ ચોક્કસ રાજકીય પક્ષમાં જોડાશે કે કેમ એ અંગે તેમણે ફોડ પાડ્યો ન હતો.અરવિંદ કેજરીવાલ ગુજરાત આવે છે, એ જાહેરાતની સાથે ઈસુદાનના આમ આદમી પાર્ટીમાં જોડાવવા અંગે આશંકાઓ સેવાઈ રહી હતી.

ઈસુદાને પત્રકારત્વ કેમ છોડ્યું? : આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ ઈસુદાન ગઢવીએ પત્રકારપરિષદમાં કહ્યું કે વર્ષોથી લોકોના પ્રશ્નો ઉઠાવતો રહ્યો છું, પણ પત્રકારની એક લક્ષ્મણરેખા હોય છે. તેમણે કહ્યું, “એક પત્રકાર તરીકે તમે લોકોના પ્રશ્નો ઉપાડી શકો છો પણ બંધારણ પ્રમાણે નિર્ણય લેવાની સત્તા તો ચૂંટાયેલા રાજકારણીઓ પાસે છે.

પ્રજાને સુખાકારી અપાવવા માટેની સત્તા નેતાઓ અથવા અધિકારીઓ પાસે જ હોય છે.” ઈસુદાને કહ્યું કે “વર્ષોથી હું લોકોના પ્રશ્નો ઉઠાવું છું, પરંતુ ઘણી વખત તેમના પ્રશ્નોનો ઉકેલ ન આવ્યો હોય એવું બન્યું છે. મેં નક્કી કર્યું કે સમાજસેવા કરવી અને એ માટે રાજકારણમાં જોડાઈ જવાનો નિર્ણય લીધો છે.”

તેમણે કહ્યું કે “લોકોના પ્રશ્નો માટે હું બેવડી મહેનત કરીશ. પહેલાં પણ મારો હેતુ સમાજસેવાનો હતો, આજે પણ છે અને આગળ પણ રહેશે. રાજકારણ હોય અથવા પત્રકારત્વ, આપણો હેતુ સમાજસેવાનો હોવો જોઈએ.”

ઈસુદાન AAP સાથે કેમ જોડાયા? : આમ આદમી પાર્ટીમાં જોડાવવા વિશે વાત કરતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે “જ્યારે સ્વચ્છ રાજકારણ વિશે વાત કરતા હોવ ત્યારે એવા પક્ષની પસંદગી કરવી પડે જે લોકો માટે કામ કરતો હોય.”

તેમણે કહ્યું, “અરવિંદ કેજરીવાલે શિક્ષણ અને આરોગ્ય માટે જે કામ કર્યું છે, તે પ્રશંસનીય છે. કેજરીવાલની નીતિઓ ખરેખર લોકો માટે છે, અમે ગુજરાતના લોકોને કહેવા માગીએ છીએ કે આપ એક મજબૂત વિકલ્પ છે.” તેમણે ચૂંટણી સંદર્ભે વાત કરતાં કહ્યું કે “ચૂંટણીઓમાં ઢગલો મત નોટાને મળે છે કારણ કે ગુજરાતમાં રાજકીય વિકલ્પ નથી, પણ હવે ગુજરાતના લોકોને એક ઇમાનદાર વિકલ્પ મળી ગયો છે.”

અરવિંદ કેજરીવાલ એ શું કહ્યું? : ઈસુદાન ભાજપમાં જોડાયા એ સાથે અરવિંદ કેજરીવાલે સત્તામાં બેઠેલા ભાજપ અને વિરોધી પક્ષ કૉંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું, “આજે ગુજરાતની આ હાલત માટે ભાજપ અને કૉંગ્રેસ જવાબદાર છે. છેલ્લાં 27 વર્ષથી ગુજરાતમાં એક જ પક્ષની સરકાર છે, છતાં 27 વર્ષ બંને પક્ષોએ સાથે સત્તા ભોગવી છે.”

કેજરીવાલે કહ્યું, “કોણ ગુજરાતની નોંધ લેશે? : આજે ગુજરાતના ખેડૂતો આપઘાત કરી રહ્યા છે, શાળાઓ અને હૉસ્પિટલોની ખરાબ સ્થિતિ છે અને વેપારીએ ગભરાયેલા છે. આવી પરિસ્થિતિમાં ઈસુદાન ગઢવીએ રાજકારણમાં આવવાનો નિર્ણય લીધો છે અને તે બદલ હું આભાર વ્યક્ત કરું છું.”

“ઈસુદાન ગઢવી ગુજરાતના કેજરીવાલ છે”, ગુજરાતના પૂર્વ પત્રકાર જ્યારે આમ આદમી પાર્ટીમાં સામેલ થયા ત્યારે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પત્રકારપરિષદમાં ઉપરોક્ત વાત કહી.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે “હું સવારે અમદાવાદ ઍરપૉર્ટમાંથી બહાર નીકળતો હતો ત્યારે એક કર્મચારીએ મારી સાથે સેલ્ફી લીધી અને મને પgછ્યું કે ગુજરાત આવવાનું કેમ થયું? તો મેં કહ્યું કે ઈસુદાન આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.”

“તો એ કર્મચારીએ મને કહ્યું કે ઈસુદાન તો ગુજરાતના કેજરીવાલ છે.” એ પછી કેજરીવાલે કહ્યું કે ગુજરાતની જનતા ઈસુદાનને બહુ પ્રેમ કરે છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here