એક બાળક પોતાના પરિવાર સાથે ફરવા ગયો. ત્યાં એક ફુગ્ગાવાળો સાયકલ લઈને ફુગ્ગા વેચતો હતો. ફુગ્ગાવાળો વારંવાર 5-5 મિનીટના સમય ગાળે એક ફુગ્ગો હવામાં છોડી દેતો હતો. બાળકની કુમળી નજર વારંવાર તે ફુગ્ગાવાળા પર જતી હતી , બાળકને આશ્ચર્ય લાગ્યું એટલે બાળકે ફુગ્ગાવાળાને કાલી ભાષામાં પૂછ્યું કે , કાકા આ વાદળી રંગનો ફુગ્ગો પણ આકાશમાં ઉડે ? ફુગ્ગાવાળા એ સ્નેહથી જવાબ આપ્યો કે , હા બેટા વાદળી રંગનો ફુગ્ગો ઉડે.
બાળકે ફરીવાર પૂછ્યું કે કાકા આ ગુલાબી રંગનો ફુગ્ગો પણ આકાશમાં ઉડે ? ફુગ્ગાવાળા એ પણ એટલા જ સ્નેહથી જવાબ આપ્યો કે હા બેટા ગુલાબી રંગનો ફુગ્ગો પણ ઉડે. બાળકે ફરી ફરીને તમામ રંગના ફુગ્ગા વિશે ફુગ્ગાવાળાને પૂછ્યું , ફુગ્ગાવાળાએ પણ બાળકને ફરી ફરીને જવાબ આપ્યો કે હા બેટા આ તમામ ક્લરના ફુગ્ગા આકાશમાં ઉડે.
બાળકે કહ્યુંકે આમ આવી રીતે ફુગ્ગા ઉડવાનું કારણ શું છે ? ત્યારે ફુગ્ગાવાળાએ જવાબ આપ્યો કે હે બાળક આ એટલા માટે નથી ઉડતો કે તે ફુગ્ગો છે. આ ફુગ્ગો એટલા માટે ઉડે છે કારણકે ફુગ્ગાની અંદર જે વસ્તુ છે એ વસ્તુ ફુગ્ગાને ઉડાડે છે.
આ સરસ ઉદાહરણ આપીને જ્ઞાનવત્સલ સ્વામી દેશના નવયુવાનોને સફળતાના રહસ્ય વિશે સમજાવે છે કે , માણસ પોતાના ટેલેન્ટના કારણે ઉડે છે , સફળતા પ્રાપ્ત કરે છે . જે માણસ પાસે અંદરથી મેહનત કરવાની ભાવના અને દ્રઢ નિશ્ચય હશે તે માણસને સફળતા પ્રાપ્ત કરતા કોઈ નહી રોકી શકે.
સ્વામીજી કહે છે કે ટેલેન્ટની સાથે સાથે પોતાનું કેરેક્ટર પણ સાફ હોવું જોઈએ જેથી કરીને ભવિષ્યમાં પોતાના કામ-ધંધા પર ખરાબ અસર ન પડે.માણસ પાસે ગમે તેટલા પૈસા હોય પરતું જો તેનું ચારિત્ર્ય ખરાબ હોય તો તેને હીરો માંથી ઝીરો બનતા વાર નથી લાગતી.
તેવી જ રીતે એક તારણ મુજબ એ પણ જાણવા મળ્યું છે કે જો કદાચ માણસ પાસે ભણતર , પૈસા અને આધ્યાત્મિક સમજ નો હોય તો તે કદાચ પણ સફળતા પ્રાપ્ત કરી શકે પરતું જો માણસનું કેરેક્ટર ખરાબ હશે તો તે જીવનમાં ક્યારેય સફળતા પ્રાપ્ત નહી કરી શકે.
જીવનના તમામ દોષો જેવાકે કામ, ક્રોધ, લોભ,મોહ , આશા , અહંકાર અને ઈર્ષા આના પર આપડે અંકુશ અને મર્યાદામાં રાખી શકીએ. અને આ તમામ દોષો મર્યાદા બહાર ન વર્તે એનું નામ ચારિત્ર્ય.
સ્વામીજી કહે છે દરેક વ્યક્તિમાં દોષ તો હોય જ છે પરતું તે મર્યાદા બહાર ન વર્તે તેટલું માણસમાં પ્રભુત્વ હોવું જોઈએ. ખરાબ ચારિત્ર્ય સફળતા પર ઘા મારી દે છે.