જાણો કૃષ્ણ અને રુકમણીના વિવાહની રોચક કથા….

0
289

ઇતિહાસ પ્રમાણે રામચરિત માનસના બાલકાંડ પ્રમાણે એક વખત વિષ્ણુજીએ નારદજી સાથે કપટ કર્યું હતું. તેમણે નારદજીને પોતાનું સ્વરૃપ આપવાના બદલે વાનરનું સ્વરૃપ આપી દીધું હતું, જેના કારણે લક્ષ્‍મીજીના સ્વયંવરમાં તેઓ હાંસીના પાત્ર બન્યા હતા અને તેમના મનમાં લક્ષ્‍મીજી સાથે લગ્ન કરવાના અભરખા મનમાં ને મનમાં જ રહી ગયા હતા.

પછી નારદજી કોપાયમાન થઈને સીધા વૈકુંઠ પહોંચી ગયા અને વિષ્ણુજીને ‘પત્ની વિયોગ સહન કરવો પડશે’ એવો શ્રાપ આપી દીધો. નારદજીના આ શ્રાપના કારણે જ રામાવતારમાં ભગવાન રામચંદ્રને સીતાનો વિયોગ અને કૃષ્ણાવતારમાં રાધાનો વિયોગ સહન કરવો પડ્યો હતો.

અમુક વિદ્વાનો એવું પણ માને છે કે રાધા નામની કોઈ સ્ત્રી જ ન હતી. રુક્મણિ જ રાધા હતી. રાધા અને રુક્મણિ બંને ઉંમરમાં કૃષ્ણ કરતાં મોટાં હતાં. શ્રીકૃષ્ણનાં લગ્ન રુક્મણિ સાથે થયાં એટલે જાણે રાધા સાથે જ થયાં. રાધાનું અલગ કોઈ અસ્તિત્વ નથી. રાધાજીને નારદજીના શ્રાપના કારણે વિરહ સહન કરવો પડ્યો અને રુક્મણિ સાથે કૃષ્ણને લગ્ન કર્યાં. રાધા અને રુક્મણિ બંને જ લક્ષ્‍મીજીના અંશ છે, એવું પણ કહેવાય છે.

ગુજરાતના પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડનું આજે પણ મહત્ત્વ શા માટે છે? કારણ કે ભગવાન શ્રીકૃષ્ણએ અહીંયાના માધવરાયજી મંદિરમાં રુક્મણિ સાથે આજથી સાડા ત્રણ હજાર વર્ષ પહેલાં લગ્ન કર્યાં હતાં. આજે પણ તે ઐતિહાસિક પળ ને દર વર્ષે રામનવમીથી ૫ાંચ દિવસ સુધી લગ્નની બધી તૈયારીઓ સાથે ભવ્ય આયોજન કરીને જીવંત કરવામાં આવે છે અને ધામધૂમથી રીતિ-રિવાજો સાથે કૃષ્ણનાં લગ્ન રુક્મણિ સાથે કરવામાં આવે છે.

આ વર્ષે આ લગ્નોત્સવ રદ્દ કરવામાં આવ્યો છે. મજાની વાત એ છે કે વરઘોડિયા ગુજરાતી દ્વારકાના અને માંડવિયા પૂર્વાંચલી એટલે કે અરુણાચલ પ્રદેશના હોય છે. દ્વારકા વિષે તો બધા જાણે છે કે તે કૃષ્ણનું જન્મ સ્થળ છે, પણ દ્વારકાથી ફક્ત ૧૬૦ કિલોમીટર દૂર માધવરાય ઘેડ વિષે લોકો નથી જાણતા કે જ્યાં કૃષ્ણ એ રુક્મણિ સાથે માધવરાયના મંદિરમાં લગ્ન કર્યાં હતાં. દર વર્ષે અહીં રંગેચંગે ઉત્સવ ઉજવાય છે પણ આ વર્ષે કોરોનાનની વૈશ્વિક મહામારીને પગલે આ ઉત્સવમાં જાહેર જનતાને આમંત્રણ નહોતું આપવામાં આવ્યું.

ગુજરાતના ત્રણ લોકમેળા જગ પ્રસિદ્ધ છે – ભવનાથનો મેળો, જે જૂનાગઢ જિલ્લામાં ભગવાન શિવ ભક્તો, સંતો, યોગીઓ અને સાધકોનો મેળો છે. બીજો તરણેતરનો મેળો – જે જુવાનિયાની ધડકન છે, જેમાં આદિવાસી સ્વયંવર રચાય છે અને ત્રીજા માધવપુરનો મેળો – જ્યાં શ્રીકૃષ્ણએ રુક્મણિ સાથે લગ્ન કર્યાં હતાં.

શ્રીકૃષ્ણએ ભગવદ્ ગીતામાં જે કાંઈ પણ ઉપદેશ અર્જુનને આપ્યા તેનો ગૂઢ અર્થ હતો. કૃષ્ણએ ધરતી ઉપર જન્મ જ મનુષ્યને જ્ઞાન આપવા માટે અને જન કલ્યાણ માટે લીધો હતો, એટલે જ તેમણે કૃષ્ણાવતારમાં નટખટ લીલાઓ દેખાડી, પણ જો ધ્યાનથી તેમની લીલાને સમજી વિચારીને જોઈએ તો તેનો ઊંડો અર્થ નીકળે છે. કૃષ્ણએ રુક્મણિ સાથે લગ્ન શા માટે કર્યાં? કૃષ્ણ તો રાધાને પ્રેમ કરતા હતા તો પછી રુક્મણિ કેમ? રાધા અને રુક્મણિ બંને ઉંમરમાં કૃષ્ણ કરતાં મોટા હતાં.

આજકાલ પણ આ એક પ્રકારનો ટ્રેન્ડ બની ગયો છે. બીજું, આંતરજાતીયપ્રેમલગ્ન. કૃષ્ણએ આજથી હજારો વર્ષો પહેલાં જ આ વાતની ચોખવટ કરી દીધી હતી કે તેમાં કોઈ વાંધો નથી. છોકરી ઉંમરમાં મોટી હોય તો પણ ચાલે અને બીજા પ્રદેશની હોય તો પણ ચાલે તેમાં કોઈ વાંધો નથી. બસ, પતિ-પત્નીના આપસી વિચારોનો મનમેળ હોવો ખૂબ જરૃરી છે અને એકબીજાની ભાવનાને સમજી તેની કદર કરવાની સૂઝબૂઝ હોવી જોઈએ.

શ્રીકૃષ્ણ અને રુક્મણિ કેવી રીતે મળ્યાં? – દ્વારકામાં રહેતા ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામ બંને : ભાઈઓની ખ્યાતિ અને પરાક્રમ દૂર-દૂર સુધી ફેલાયેલા હતા. તે સમયે વિદર્ભ દેશમાં ભીષ્મક નામનો એક પરમ તેજસ્વી અને સદ્ગુણી રાજા રાજ્ય કરતો હતો. કુંડિનપુર એની રાજધાની હતી. તેમને પાંચ દીકરા અને એક દીકરી હતી. દીકરીમાં લક્ષ્‍મી સમાન જ દિવ્ય લક્ષણ હતાં. એટલે લોકો તેને ‘લક્ષ્‍મીસ્વરૃપા’ પણ કહેતાં. રુક્મણિ પરણવા લાયક થઈ ત્યારે પિતા ભીષ્મકને તેનાં લગ્નની ચિંતા થઈ.

રુક્મણિ પાસે જે પણ લોકો આવતા-જતા હતા તે બધા શ્રીકૃષ્ણના વખાણ કરતા થાકતા ન હતા અને કહેતા કે તે અલૌકિક પુરુષ છે, આ ધરતી ઉપર તેની સરખામણીમાં કોઈ અન્ય ન આવી શકે. બસ, ત્યારથી જ શ્રીકૃષ્ણની સુંદરતા અને ગુણો પર મોહિત થઈને રુક્મણિએ મનોમન નક્કી કરી લીધું કે તે પરણશે તો ફક્ત કૃષ્ણને જ અન્યથા લગ્ન નહીં કરે.

બીજી બાજુ, શ્રીકૃષ્ણએ પણ રુક્મણિ વિશે સાંભળ્યું હતું કે તે, સ્વરૃપવાન છે અને સુલક્ષણી છે. ભીષ્મક રાજાનો મોટો પુત્ર રુક્મી શ્રીકૃષ્ણથી શત્રુતા રાખતો હતો. તે પોતાની બહેન રુક્મણિનાં લગ્ન શિશુપાલ સાથે કરવા ઇચ્છતો હતો, કારણ કે શિશુપાલ પણ શ્રીકૃષ્ણ સાથે વેર રાખતો હતો.

ભીષ્મકે પોતાના મોટા પુત્રની ઇચ્છાનુસાર પુત્રી રુક્મણિના લગ્ન શિશુપાલ સાથે નક્કી કરી નાંખ્યા અને શિશુપાલને સંદેશો મોકલાવીને લગ્નની તારીખ પણ કઢાવી લીધી. રુક્મણિને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે દુઃખી થઈ ગઈ, પણ તેને પોતાના મનની વાત કૃષ્ણને જણાવવા માટે એક બ્રાહ્મણ મારફત સંદેશો દ્વારકા મોકલાવ્યો.

રુક્મણિએ લખ્યું હતું કે, ‘હે નંદ-નંદન! મેં આપને જ પતિના રૃપમાં સ્વીકાર કર્યા છે. હું આપના સિવાય અન્ય કોઈ પુરુષ સાથે લગ્ન નથી કરી શકતી. મારા પિતા મારી ઇચ્છા વિરુદ્ધ મારાં લગ્ન શિશુપાલ સાથે કરવા માગે છે. લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ છે. અમારા કુળમાં રિવાજ છે કે લગ્ન પહેલાં દીકરીએ એક વખત બહાર ગિરિજા મંદિરે દર્શન કરવા જવું પડે છે.

હું પણ તે દિવસે તૈયાર થઈને લગ્ન પહેલાં એક વખત ગિરિજાના મંદિરે દર્શન માટે જઈશ. મારી ઇચ્છા છે કે તમે ત્યાં આવો અને મને પત્ની તરીકે સ્વીકારો. જો તમે ત્યાં નહીં આવો તો હું મારા પ્રાણ ત્યાં જ ત્યાગી દઈશ.’ રુક્મણિનો સંદેશ વાંચીને ભગવાન શ્રીકૃષ્ણ તરત જ રથ પર સવાર થઈને કુંડિનપુર જવી નીકળી પડ્યા.

તેમણે રુક્મણિના દૂત બ્રાહ્મણને પણ રથ પર બેસાડી લીધા. શ્રીકૃષ્ણના કુંડિનપુર રવાના થવાના સમાચાર જ્યારે બલરામને મળ્યા તો તેમને ચિંતા થઈ કે કૃષ્ણ એકલો જ નીકળી પડ્યો છે, એટલે તેઓ પણ પાછળ-પાછળ યાદવોની સેના લઈને નીકળી પડ્યા.

બીજી બાજુ, ભીષ્મકના સમાચાર મેળવીને શિશુપાલ રાજીખુશી વરઘોડો લઈને કુંડિનપુર જવા નીકળી પડ્યો હતો. શિશુપાલના વરઘોડામાં જરાસંધ, પૌંડ્રક, શાલ્વ અને વક્રનેત્ર વગેરે અનેક રાજા પોત-પોતાની સેનાઓ લઈને સાથે હતા. તે બધા રાજા કૃષ્ણ સાથે શત્રુતા રાખતા હતા.

લગ્નના દિવસે આખું નગર શણગારવામાં આવ્યું હતું. ચારેકોર મંગળ ગાન અને શરણાઈઓ સંભળાઈ રહી હતી. નગરવાસીઓને શ્રીકૃષ્ણ અને બલરામના આગમનના પણ સમાચાર મળ્યા અને તેઓ મનોમન વિચારતા હતા કે જો રુક્મણિનાં લગ્ન કૃષ્ણ સાથે થયાં હોત તો સારું થાત, કારણ કે એ જ એના માટે યોગ્ય વર છે.

સાંજનો સમય હતો, રુક્મણિ પણ ઉદાસ મને તૈયાર થઈને ગિરિજા મંદિરે દર્શન જવા નીકળી, તેની સાથે તેની સખીઓ અને અંગરક્ષકો પણ હતા. બ્રાહ્મણના કોઈ સમાચાર ન મેળવવાથી તે દુઃખી હતી. મંદિરમાં માની પૂજા કરતા રુક્મણિએ પ્રાર્થના કરી કે, ‘હે મા, તમે જગદંબા છો, મારી ઇચ્છા પૂર્ણ કરો. હું શ્રીકૃષ્ણ સિવાય અન્ય કોઈ પુરુષ સાથે લગ્ન નથી કરવા માગતી.’

રુક્મણિએ મંદિરથી બહાર નીકળતાં જ બ્રાહ્મણને જોયો અને ખુશ થઈ ગઈ, કે જાણે કૃષ્ણએ તેની વાત સ્વીકારી લીધી છે. હજી તે કાંઈ વિચારે તે પહેલાં જ કૃષ્ણ પોતાના રથ ઉપર સવાર થઈને ઝડપથી ત્યાં આવ્યા, તેમણે રુક્મણિનો હાથ પકડીને પોતાના રથ ઉપર ખેંચી લીધી અને વાયુ વેગે ત્યાંથી પસાર થઈ ગયા, પળવારમાં બધા જોતાં જ રહી ગયા કે રુક્મણિ ક્યાં ગઈ. અંગરક્ષકો પણ કાંઈ ન કરી શક્યા.

કુંડિનપુરમાં ચારેકોર હાહાકાર મચી ગયો કે શ્રીકૃષ્ણ રુક્મણિનું અપહરણ કરીને તેને દ્વારકા લઈ ગયા છે. શિશુપાલને જ્યારે આ સમાચાર મળ્યા તો તે ગુસ્સે થઈ ગયો અને પોતાના મિત્ર રાજાઓની સેના લઈને તેણે શ્રીકૃષ્ણનો પીછો કર્યો, પણ વચમાં જ બલરામે પોતાની યદુવંશી સેના સાથે તેને રોકી લીધો. ભયંકર યુદ્ધ થયું. બલરામ અને યદુવંશીઓએ વીરતા સાથે લડીને શિશુપાલ અને તેના મિત્રોની સેનાને ધ્વસ્ત કરી નાંખી.

પરિણામે શિશુપાલે નિરાશ થઈને કુંડિનપુર પરત ગયો. રુક્મી તે જોઈને ખૂબ જ ગુસ્સામાં આવી ગયો. તે પાછો પોતાની વિશાળ સેના લઈને શ્રીકૃષ્ણ સાથે લડવા નીકળી પડ્યો અને તેણે પ્રતિજ્ઞા લીધી કે તે કુંડિનપુર પરત શ્રીકૃષ્ણને બંદી બનાવીને જ આવશે અન્યથા નહીં આવે. શ્રીકૃષ્ણ અને રુક્મીનું પણ ખૂબ જ ભયંકર યુદ્ધ થયું, રુક્મીને હરાવીને કૃષ્ણએ તેને પોતાના રથ સાથે બાંધી દીધો, પણ બલરામે વચ્ચે પડતાં કહ્યું કે, તે હવે આપણો સંબંધી કહેવાય એટલે તેની સાથે આવો વ્યવહાર વાજબી ન ગણાય.

અંતે મોટાભાઈની વાતને માન આપતાં કૃષ્ણએ રુક્મીને છોડી મૂક્યો, પણ રુક્મીને પોતે આપેલું વચન યાદ હતું એટલે તે યુદ્ધમાં હારીને પરત કુંડિનપુર ન ગયો અને રસ્તામાં જ નવું નગર વસાવીને રહેવા લાગ્યો. કહેવાય છે કે આજે પણ રુક્મીના વંશજો ત્યાં રહે છે.

શ્રીકૃષ્ણ પછી રુક્મણિને લઈને દ્વારકા પહોંચ્યા અને માધવપુર ઘેડમાં માધવરાયના મંદિરમાં જઈને તેમણે રુક્મણિ સાથે ધામધૂમથી લગ્ન કર્યાં. આજ સુધી ૫ દિવસ સુધી લગ્નની તૈયારીઓ ચાલે છે અને એટલી જ ધામધૂમથી લગ્નોત્સવ ઉજવાય છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here