ત્યાગે તપે પૂરા રે
શાંતિલાલની ઊડીને આંખે વળગે તેવી એક વિશેષતા એ રહેલી કે તેઓ મિતભાષી હતા, પણ મૂંગાં નહીં. સમય આવ્યે જે સાચું હોય તે મક્કમતાથી કહેતા અને તે પ્રમાણે જ કરતા. શાંતિલાલનાં શરૂઆતનાં વર્ષોમાં પિતાશ્રી મોતીભાઈ સાવલી તાલુકાના રાજનગર નામના ગામમાં કામકાજ માટે ગયેલા. શાંતિલાલ પણ સાથે જ હતો, અહીં તેઓ નવેક વર્ષ સુધી રહેલા. તે વખતે બાળમિત્રો સાથે વિવિધ બાળક્રીડાઓ કરતા.
ગામની સીમમાં મહોરેલો આંબા-આંબલીનો ગોરસ – આંબલી, મારવા વગેરેની ઉજાણી પણ કરતા અને સૌને આનંદ પમાડતા. આ રાજનગરમાં ભાદરણ ગામના છોટાભાઈ નામે સદ્ગૃહસ્થ રહેતો હતા. શાંતિલાલના ધરની ગલીમાં જ તેઓનું મોટું મકાન હતું. તેઓને નીનાં બાળકો પ્રત્યે અપાર પ્રેમ. જાતજાતની અને ભાતભાતની વસ્તુ-વાનગીઓ લાવીને બાળકોને રાજી કરતાં રહે.
ફૂલદોલ વખતે સૌ માટે ખજૂર લાવે, ઉત્તરાયણ વખતે પતંગો અને દિવાળી વખતે ફટાકડા. પરંતુ આ સૌ બાળકોમાં શાંતિલાલ વિશે તેઓને અનહદ લાગણી, તેઓ માટે છોટાકાકા રમ કડાં લઈ આવે. શાંતિલાલને એકડો ઘૂંટાવવા તેઓએ ખાસ શિક્ષક પણ રોકેલો. એક દિવસ આ છોટાકાકાએ સંકલ્પ કર્યો કે “આજે છોકરાંઓને સારી રસોઈ બનાવીને જમાડવા.’ આ હેતુસર તેઓએ સૌ બાળકોને એકત્રિત કર્યા.
શાંતિલાલને પણ બોલાવ્યા. ત્યારે શાંતિલાલે નમ્રતાથી છતાં દેઢતીથી કહ્યું ‘આજે મારે એકાદશી છે. માટે હું નહીં જમું.’ છોટાકાકાએ આવા ઉત્તરની અપેક્ષા રાખી નહોતી. તેથી તેઓએ આગ્રહપૂર્વક શાંતિલાલને કહ્યું : ‘હવે છોકરાંને શું એકાદશી ? ચાલશે. એક વાર ખાઈ લઈએ તેમાં શું? બધાની સાથે જમવા બેસી જા.” પરંતુ શાંતિલાલે મચક ન આપી.
અંતે જ્યારે ખૂબ આગ્રહ થયો ત્યારે શાંતિલાલની આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં. એ આંસુએ છોટાકાકાને પલાળી દીધા. તેઓએ વધુ આગ્રહ પડતો મૂક્યો અને ફરાળ મંગાવીને શાંતિલાલને જમાડયા. પણ તે વખતે સૌને થયું કે “આ તે વળી કેવું કૌતુક ! સ્વાદિષ્ટ ભોજન જોઈને બાળક તો લલચાઈ જ જાય. અને જો તે ન મળે તો જમવા માટે રડે જ્યારે આ શાંતિલાલ તો ઉપવાસની ટેક ન તૂટે તે માટે રડ્યા !
ખરેખર, આ જુદી માટીનો બાળક લાગે છે !” ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે “સારો હોય તે તો બાળપણામાંથી જ જિહ્વાનો સ્વાદિયો હોય નહીં અને શરીરને દમ્યા કરે.” આ સારપનું મૂઠી ઊંચેરું દર્શન શાંતિલાલમાં સૌને થયાં કરતું. બાળસહજ ગોબરાંપણાથી પણ શાંતિલાલ જોજનો દૂર. એક પ્રસંગે બાલ્યાવસ્થાની પોતાની સ્વાભાવિક પ્રકૃતિ જણાવતાં તેઓએ કહેલું : “પહેલેથી ઘરમાં બધું વ્યવસ્થિત મૂકવાનું ખરું.
સાફસૂફી રહે એવું નાનપણથી કરતા’તા. સ્કૂલમાં પણ કોઈ દફતર (આડું અવળું) પડ્યું હોય તો એનેય કહીએ કે ‘સીધું મૂક.” આમ, સુઘડતાનો ‘સા’ પહેલેથી જ તેઓના જીવનમાં ચૂંટાયેલો. ‘વળી સદા ગમે શુચિપણું રે…૧૦ એ બાલ ઘનશ્યામની પ્રકૃતિનો પડઘો શાંતિલાલના જીવનમાંથી પણ ઊઠતો.