શાંત અને સુલેહકારી : ‘શેરીએ રમતાં અથડાતાં, છોરાં રાખે દાવા રે; સબળ થઈ કોઈ લીએ ચૂંટિયો.” આ છે બાલ્યાવસ્થાનું શબ્દચિત્ર. કજિયા-કંકાસ કે લડાઈ-ઝઘડા વિનાનું બાળપણ કોનું વીત્યું હશે ? પરંતુ અવસ્થાના આ આવેગોથી પણ શાંતિલાલ અભડાયા નહોતા. ‘મને પહેલેથી કોઈની સાથે ઝઘડો થાય એ ગમે નહીં ને કોઈ ઝઘડો કરતું હોય તે જોવુંય ગમે નહીં.
મનમાં દુ:ખ થાય કે આ ઝઘડે છે શું કરવા? ઝઘડાનો પ્રસંગ થયો હોય તોયે ઝઘડીએ નહીં. સહન કરી લેવાનું. કોઈની જોડે ઝઘડો ન થાય તે પહેલું જોવાનું. નાનપણથી જ કોઈ લડતા-ઝઘડતા હોય તો ત્યાંથી જતો જ રહું. તકરારનો પહેલેથી જ સ્વભાવ નહીં. બીજા કોઈ ઝઘડે તેમાં મને બીક લાગતી… બીજાને ઝઘડતા જોઈ રડી પડીએ તેવું હતું.”
તેઓના મુખેથી સરેલા આ શબ્દો પરથી શાંતિલાલનો શાંત-સુલેહકારી સ્વભાવ પરખાય છે. પોતાની આવી જીવનશૈલીથી તેઓને સૌ સાથે સારાવાટ, મોતીકાકાના પરિવારમાં શાંતિલાલ સાથે પુત્રોમાં ડાહ્યાભાઈ, નંદુભાઈ, પુરુષોત્તમભાઈ અને પુત્રીઓમાં કાશીબહેન, કમળાબહેન, ચંચળબહેન, સવિતાબહેન, ગંગાબહેન અને ડાહીબહેન હતાં.૧૧ આ સૌમાં સવિતાબહેનને શાંતિલાલ માટે અધિક પ્રેમ રહેતો.
પ્રસંગોપાત્ત ઘરમાં વેવિશાળ નિમિત્તેની માટલીમાં મીઠાઈ આવે ત્યારે ભાઈ-બહેનના ભાગ પડે. તે વખતે સવિતાબહેન પોતાનો ભાગ શાંતિલાલને આપી દેતાં. પોતે ન જમતાં.આવી રીતે બાળપણ થી જ શાંતિલાલની પ્રકૃતિ શાંત અને સુલેહકારી હતી,તેમના આ સ્વભાવ ના દર્શન અનેક વાર લોકો એ પ્રત્યક્ષ કરેલા છે,તેમના આ સ્વભાવને કારણે જ હમેશા પરસ્પર પ્રેમ અને શાંતિ ની ભાવના રહેતી.