મિલ્ખા સિંહનું 91 વર્ષની વયે કોરોનાથી નિધન, મોદી-સચિન સહિતના લોકોએ આપી શ્રધાંજલિ……

0
137

મિલ્ખા સિંહ ટ્રેક એન્ડ ફિલ્ડ સ્પ્રિન્ટર રહ્યા છે. પોતાના કરિયરમાં તેમણે અનેક રેકોર્ડ બનાવ્યા અને અનેક ચંદ્રક જીત્યા હતા. મેલબર્નમાં 1956ના ઓલિમ્પિકમાં ભારતમાં પ્રતિનિધિત્વ કર્યું હતું, રોમમાં 1960ના ઓલિમ્પિક અને ટોક્યોમાં 1964માં મિલ્ખા સિંહે પોતાના શાનદાર પ્રદર્શનની સાથે દાયકાઓ સુધી ભારતના સૌથી મહાન ઓલિમ્પિયન તરીકે નામના મેળવી હતી.

20 મેના રોજ કોરોનાથી સંક્રમિત થયા હતા મિલ્ખા સિંહ :  મિલ્ખા સિંહ અને તેમનાં પત્ની 20 મેના રોજ કોરોના સંક્રમિત થયાં હતાં. 24 મેના રોજ બંનેને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. 30 મેના રોજ પરિવારના લોકોના આગ્રહથી તેમને ડિસ્ચાર્જ અપાવીને થોડા દિવસ અગાઉ જ ઘરે લાવવામાં આવ્યાં હતાં.

ત્યારથી તેમનો ઘરે જ ઈલાજ ચાલી રહ્યો હતો. તેના થોડા દિવસ પછી તેમની તબિયત ફરીથી લથડી હતી અને ઓક્સિજન લેવલ ઘટવા લાગ્યું હતું. 3 જૂનના રોજ તેમને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યારે નિર્મલ કૌરની સારવાર મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં ચાલી રહી હતી.

મોદીએ હોસ્પિટલમાં દાખલ મિલ્ખા સિંહ સાથે વાત કરી હતી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 જૂને મિલ્ખા સિંહ સાથે ફોન પર વાતચીત કરી હતી અને તેમની તબિયત વિશે પૂછ્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે મિલ્ખા ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારા એથ્લીટ્સને આશીર્વાદ આપવા અને પ્રેરિત કરવા માટે ટૂંક સમયમાં પરત આવશે.

નિર્મલ કૌર ભારતીય વોલીબોલ ટીમના કપ્તાન રહ્યા હતા :  નિર્મલ કૌરનું પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સને કારણે નિધન થયું હતું. તેઓ 85 વર્ષનાં હતાં. નિર્મલ ભારતીય મહિલા વોલીબોલ ટીમના કપ્તાન રહી ચૂક્યાં હતાં. આ સાથે જ તેઓ પંજાબ સરકારમાં સ્પોર્ટ્સ ડાયરેક્ટર (મહિલાઓ માટે)ના પદ પર પણ રહ્યાં હતાં.

મિલ્ખા સિંહના પરિવાર તરફથી જારી નિવેદનમાં જણાવાયું હતું કે નિર્મલ કૌરનું નિધન 13 જૂનના રોજ સાંજે 4 વાગ્યે થયું હતું. ICUમાં દાખલ હોવાથી મિલ્ખા સિંહ પત્નીના અંતિમસંસ્કારમાં સામેલ થઈ શક્યા નહોતા.

પાકિસ્તાનમાં થયો હતો જન્મ : 20 નવેમ્બર 1929ના રોજ ગોવિંદપુરા(પાકિસ્તાન)ના એક શીખ પરિવારમાં મિલ્ખા સિંહનો જન્મ થયો હતો. ભારત આવીને સેનામાં જોડાયા પછી ક્રોસ કન્ટ્રી દોડમાં સામેલ થયા પછી મિલ્ખા સિંહ 400થી વધુ સૈનિકોમાં છઠ્ઠા નંબરે આવ્યા હતા.

ભારત સરકારે પદ્મશ્રીથી સન્માનિત કર્યા : તેમણે 1956માં મેલબર્નમાં આયોજિત ઓલિમ્પિક રમતોત્સવમાં ભાગ લીધો હતો, એમાં ખાસ દેખાવ કરી શક્યા નહોતા, પણ આગળની સ્પર્ધાઓ માટે માર્ગ ખૂલી ગયો હતો. 1958માં કટકમાં આયોજિત નેશનલ ગેમ્સમાં 200 અને 400 મીટરમાં અનેક રેકોર્ડ બનાવ્યા.

એ જ વર્ષે ટોક્યોમાં આયોજિત એશિયન રમતોત્સવમાં 200 મીટર, 400 મીટરની સ્પર્ધાઓ અને કોમનવેલ્થમાં 400 મીટરની રેસમાં સુવર્ણ ચંદ્રકો જીત્યા. તેમની સફળતા જોઈને ભારત સરકારે પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા.

આ રીતે મળ્યું ‘ફ્લાઇંગ શીખ’નું બિરુદ : મિલ્ખા સિંહ પાકિસ્તાનમાં આયોજિત એક દોડમાં સામેલ થવા ગયા હતા. એમાં તેમણે શાનદાર દેખાવ કર્યો. તેમના પ્રદર્શનને જોઈને પાકિસ્તાનના જનરલ અયુબ ખાને તેમને ‘ધ ફ્લાઇંગ શીખ’ નામ આપ્યું.

1960ના રોજ રોમમાં આયોજિત સમર ઓલિમ્પિકમાં મિલ્ખા સિંહ પાસેથી અનેક આશાઓ હતી. 400 મીટરની રેસમાં તેઓ 200 મીટર સુધી સૌથી આગળ હતા, પણ એના પછી તેમણે ઝડપ ઓછી કરી દીધી. એમાં તેઓ રેસમાં પાછળ રહ્યા અને ચોથા ક્રમે આવ્યા હતા. 1964માં તેમણે એશિયન રમતોત્સવમાં 400 મીટર અને 4×400 રિલેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

બની ચૂકી છે ફિલ્મ – ભાગ મિલ્ખા ભાગ : મિલ્ખા સિંહના જીવન પર વર્ષ 2013માં બોલિવૂડની હિન્દી ફિલ્મ – ભાગ મિલ્ખા ભાગ બની હતી. તેનું નિર્દેશન રાકેશ ઓમપ્રકાશ મેહરાએ કર્યું હતું, જ્યારે લેખન પ્રસૂન જોશીનું હતું.

મિલ્ખા સિંહની ભૂમિકામાં ફરહાન અખ્તર હતા. એપ્રિલ 2014માં 61મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં આ ફિલ્મને સર્વશ્રેષ્ઠ મનોરંજક ફિલ્મનો પુરસ્કાર મળ્યો. એ ઉપરાંત સર્વશ્રેષ્ઠ કોરિયોગ્રાફી માટે પણ ફિલ્મને પુરસ્કાર મળ્યો હતો.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here