ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયાનું કોરોનાના કારણે થયું નિધન,જાણો તેમના જીવનની ખાસ વાતો…

0
685

ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર રહી ચૂકેલા અને પૂર્વ ધારાસભ્ય એવા નરેશ કનોડિયા કોરોનાના કારણે સારવાર દરમિયાન મોત થયું છે. મોટાભાઈ મહેશ કનોડિયાના નિધનના ત્રીજા દિવસે નાનાભાઈ નરેશ કનોડિયાનું પણ નિધન થયું છે. નરેશ કનોડિયાનું ઓક્સિજન લેવલ ઘટતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. આ પહેલા 20 ઓક્ટોબરના રોજ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 22 ઓક્ટોબરે યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી નરેશ કનોડિયાની એક તસવીર પણ સામે આવી હતી,

25મીએ મહેશ કનોડિયાએ દુનિયાને અલવિદા કરી હતી
ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને પાટણના પૂર્વ લોકસભા સાંસદ મહેશ કુમારનું 25મીએ લાંબી માંદગી બાદ 83 વર્ષની વયે ગાંધીનગર ખાતે નિધન થયું હતું. મહેશ-નરેશ નામે મ્યૂઝિકલ કાર્યક્રમો દેશ અને વિદેશમાં આપ્યા હતા.

નરેશ કનોડિયાએ કહ્યું હતું કે, મહેશભાઈને શરદી થાય તો મને પણ થાય
એક ઇન્ટરવ્યુમાં નરેશ કનોડીયાએ કહ્યુ હતું કે, અમે ભલે અલગ અલગ સમયે જન્મ્યા હોઇએ પણ અમે એકબીજા થી એટલા જોડાયેલા છીએ કે મહેશભાઇને શરદી થાય તો મને પણ થાય. એમનું ગળું ખરાબ થાય તો મારું પણ થાય. અમે ક્યારેય અલગ રહી જ ના શકીએ. નરેશ કનોડિયાએ ઈન્ટરવ્યુ કહ્યા મુજબ જ આજે વિદાય પણ લગભગ તેમના મોટાભાઈના નિધનના ત્રીજા દિવસે થઈ છે.

મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મ જગતના ખ્યાતનામ અભિનેતા નરેશ કનોડિયાના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી સદગતને શ્રદ્ધાંજલી પાઠવી છે. મુખ્યમંત્રી જણાવ્યું હતું કે કે સ્વ. નરેશ કનોડિયાએ ગુજરાતી ચલ ચિત્ર જગતમાં અભિનયના ઓજસ પાથરીને દસકાઓ સુધી લોક માનસમાં એક આગવું સ્થાન મેળવેલું તેનું સ્મરણ કરતાં કહ્યું છે કે તેમનું આ યોગદાન ગુજરાતી ચલચિત્ જગતમાં સદાકાળ અવિસ્મરણીય બની રહેશે. રૂપાણીએ દિવંગત આત્માની પરમ શાંતિની પ્રાર્થના કરીને તેમના શોકાતુર પરિવારજનોને દિલસોજી પણ પાઠવી છે.

નરેશ કનોડિયાએ ‘ભાગ કોરોના…તારો બાપ ભગાડે’ ગાઈને ઢોલ વગાડ્યો હતો
આ પહેલા દેશ અને ગુજરાતમાં કોરોના વાઇરસનો પ્રથમ કેસ સામે આવ્યો ત્યારે નરેશ કનોડિયાએ ઢોલ વગાડીને ‘ભાગ કોરોના ભાગ, ભાગ કોરોના ભાગ…તારો બાપ ભગાડે’ ગીત ગાઇને લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું હતું. જો કે. આખરે કોરોનાના કારણે જ તેમનું નિધન થયું હતું.

મોતની અફવા પણ 22 ઓક્ટોબરે ફેલાઈ હતી
20 ઓક્ટોબરે નરેશ કનોડિયાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ત્યારબાદ 22 ઓક્ટોબરે યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી નરેશ કનોડિયાની એક તસવીર સામે આવી હતી, જેમાં તેઓ બેડ પર ઓક્સિજન માસ્ક સાથે સારવાર લેતા જોવા મળ્યા હતા. એ જ દિવસે ગુજ્જુ સુપર સ્ટારની તબિયતને લઈ તેમના દીકરા અને ઈડરના ધારાસભ્ય એવા હિતુ કનોડિયા પણ પિતાનો એક ફોટો પોસ્ટ કરી પ્રાર્થના કરવા અપીલ કરી હતી. હોસ્પિટલની તસવીર સામે આવ્યા બાદ કેટલાક ટીખળખોરોએ તેમના મોતની અફવા ફેલાવી હતી. તેમાં પણ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ તો ભાંગરો વાટ્યો હતો. નરેશ કનોડિયાના દીકરા હિતુએ ફેસબુક પર તેમના પિતા સ્ટેબલ હોવાનો વીડિયો મુક્યાના 45 મિનિટ બાદ રૂપાલાએ ટ્વિટ કરી નરેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ આપી હતી. જો કે બાદમાં ભૂલ સમજાતા તેમણે ટ્વિટ ડિલિટ માર્યું હતું.

 

પરિવાર અને ફિલ્મ કરિયર
નરેશ કનોડિયાનો જન્મ 20 ઓગસ્ટ 1943ના રોજ મોઢેરાથી નજીક આવેલા મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના કનોડા ગામમાં થયો હતો. નરેશ કનોડિયાએ ફિલ્મ ‘વેલીને આવ્યા ફૂલ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. નરેશે અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સ આપી છે. નરેશ તથા ગુજરાતી એક્ટ્રેસ સ્નેહલતાની જોડી હતી, જેમણે અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સમાં સાથે કામ કર્યું હતું. નરેશ કનોડિયાએ રીમા સાથે લગ્ન કર્યાં છે. તેમને એક પુત્ર હિતુ કનોડિયા છે. હિતુ કનોડિયા પણ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનો સ્ટાર છે. હિતુએ ગુજરાતી એક્ટ્રેસ મોના થીબા સાથે લગ્ન કર્યા છે. બંનેને એક દીકરો રાજવીર છે. નરેશ કનોડિયા પરિવાર સાથે ગાંધીનગરમાં રહેતા હતા. તેમની સાથે જ મહેશ કનોડિયા પણ રહેતા હતા.

નરેશ કનોડિયાની સફળ ફિલ્મો
નરેશ કનોડિયાએ અત્યાર સુધીમાં 125થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે હિરણને કાંઠે, મેરૂ માલણ, ઢોલામારુ, મોતી વેરાણા ચોકમાં, પાલવડે બાંધી પ્રીત, પરદેશી મણિયારો, વણઝારી વાવ, તમે રે ચંપો ને અમે કેળ, જોડે રહેજો રાજ પારસ પદમણી, કાળજાનો કટકો, બેની હું તો બાર બાર વરસે આવીયો, વટ, વચન ને વેર, લાડી લાખની સાયબો સવા લાખનો જેવી અનેક સફળ ફિલ્મો આપી હતી.

2014માં મોતની અફવા ઉડતા કહ્યું હતું કે હું જીવતો છું, બાપલિયા
વર્ષ 2014માં પણ નરેશ કનોડિયાનું અવસાન થયુ હોવાનાં સમાચાર વોટ્સએપ પર ફરતા થયા હતા. ત્યાર બાદ આ સમાચાર ગાંધીનગર ખાતેરહેતા નરેશ કનોડીયાને મળતા તેમણે કહ્યું હતું કે, હું નરેશ કનોડિયા જીવતો તમારી સામે છું. મારે હજી તો ઘણી ફિલ્મો કરવી છે, લોકોને પણ ખુશ કરવા છે. તેમજ તેમણે ટીખળખોર સામે સાઇબર ક્રાઇમ હેઠળ સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.

વિકિપિડિયામાં પણ નરેશ કનોડિયાના મોતની તારીખ અપડેટ થઈ, પછી ડિલિટી મારી
નરેશ કનોડિયાના મોત અંગેની અફવા એટલી તો ઝડપથી ફેલાઈ કે વિકિપિડિયામાં પણ તેની અપડેટ આવી ગઈ હતી. નરેશ કનોડિયાની વિકિ પ્રોફાઈલમાં તેમના અવસાનની તારીખ 23 ઓક્ટોબર, 2020 બતાવતી હતી. જો કે બાદમાં સત્યનું ભાન થતાં આ તારીખ હટાવવામાં આવી હતી.

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

લેખન સંપાદન : Infogujarat Team

તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ  તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 

જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here