વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (Narendra Modi) ફરી એકવાર વતન ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાન કેવડિયા ખાતે ચાલતી કમ્બાઇન્ડ કમાન્ડર કોન્ફરન્સમાં (Combined commander conference) ભાગ લેવા માટે ગુજરાત આવ્યા છે. વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ ઉપર તેમનું આગમન થયું હતું.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી (Vijaybhai Rupani), રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Aacharya Devvrat), નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel), ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jadeja) સહિતના નેતાઓએ પ્રોટોકોલ મુજબ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું.
પીએમ મોદી માત્ર એક દિવસ માટે જ ગુજરાત આવ્યા છે. તેમનો અન્ય કોઈ કાર્યક્રમ ગોઠવાયો નથી. જેથી કોન્ફરન્સમાં ભાગ લઇ ફરી તેઓ દિલ્હી જવા રવાના થશે. ત્રણ દિવસીય કોન્ફરન્સનો આજે અંતિમ દિવસ છે, જેમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેશે.
આ કોન્ફરન્સમાં સેનાના જવાનો તેમજ JCO રેન્કના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. આ કોન્ફરન્સમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવત (CDS General Bipin Rawat), આર્મી ચીફ જનરલ એમએમ નરવણે (MM Narwane), નેવી ચીફ કરમબિરસિંહ (Karambir Singh) અને એર ચીફ માર્શલ રાકેશસિંહ ભદૌરિયા (RKS Bhadauriya) સામેલ થશે. સેનાની ત્રણેય પાંખના વડાઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of unity) ખાતે એકઠા થયા હોય તેવો આ પ્રથમ અવસર છે.
કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આ કમ્બાઇન્ડ કમાન્ડર કોન્ફરન્સ યોજાઈ છે. જેમાં ભાગ લેવા માટે દેશની સેનાની ત્રણેય પાંખના વડાઓ ઉપસ્થિત રહ્યા છે. કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ગઈકાલે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ કેવડિયા આવ્યા હતા. રાજનાથસિંહે વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ મુલાકાત લીધી હતી.
પીએમ મોદી કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ ત્યાં જ બપોરનું ભોજન લેશે. ત્યારબાદ અમદાવાદ આવી ત્યાંથી દિલ્હી ખાતે જવા માટે રવાના થશે.
(તસવીર : @vijayrupanibjp/twitter)