પ્રમુખસ્વામી મહારાજ જીવનચરિત્ર-પ્રસંગ-05,” બાળપણમાં કેવી હતી શાંતિલાલ ની પ્રકૃતિ “

0
420

મિતભાષી અને મિતાહારી :  બાળપણથી જ શાંતિલાલ મિતાહારી પ્રકૃતિના હતા. ઘરના ભોજનમાં મોટે ભાગે ધોળી જુવારના રોટલા થતા. વારે-તહેવારે દિવાળીબા ઘઉં-બાજરીના રોટલા ઘડતા. પ્રસંગોપાત્ત ઢેબરાંનું ખાણું પણ રહેતું. કઠોળ, દાળ-ભાત, કઢી-ખીચડી વગેરે પણ ક્રમાનુસાર થતાં. શાકમાં બટાટા અને ઘિલોડાંનું શાક મુખ્યપણે રહેતું.

ચોમાસામાં ઘરના વાડામાં વેલા ઉપર વિલોડાં થાય; તેથી ચાર મહિના એ જ શાક ચાલતું. આમ, શાંતિલાલ આવો સાદો અને સાત્ત્વિક આહાર સૂક્ષ્મ પ્રમાણમાં આરોગતા. તેમાંય તેઓ કેટલીક વાર તો જમવાનું પણ ભૂલી જાય અને દિવાળીબા યાદ કરાવે કે ‘જમવાનું બાકી છે ત્યારે જમે !! નિશાળે જતાં પૂરી કે ઢેબરાંનો ડબ્બો જો બાંધી આપ્યો હોય તો તે લઈ જાય, નહીં તો એમ ને એમ જાય.

કંઈક ખાવા-પીવા બે પૈસા આપ્યા હોય તો તે પણ મોટેભાગે પાછા લઈ આવે. ક્યારેક તેની જલેબી લેતા અને મિત્રો સાથે મિજબાની માણતા. ક્યારેક એ રકમમાંથી પાદરા જઈ પુસ્તકો પણ ખરીદી લાવતા. આમ, ખાવા-પીવામાં બિલકુલ તાલમેલ નહીં. જમવામાં આ ભાવે કે તે ભાવે એવું પણ નહીં. કોઈ વખત દિવાળીબા પૂરણપોળી કરે તો તે જમવાની સહેજ રુચિ જણાવતા.

બાકી ‘રસ-નિરસ બરોબર સમું’ એવી એમની પ્રકૃતિ હતી. પણ હા, પહેલેથી એક વાત પાકી રાખેલી ભગવાનને ધરાવીને જ જમવાનું. તેમાં કદી ફેર પડવા દેતા નહીં. શરીરે એકવડા તેથી માતા ભેંસ દોહવા બેસે ત્યારે શાંતિલાલને બોલાવી તાજું દૂધ પરાણે પિવડાવે, પણ શાંતિલાલને પહેલેથી દૂધ પર રુચિ ઓછી. તેથી માનું મન સાચવવા પૂરતું થોડુંક લેતા, બાકીનું બીજાને આપી દેતા.

આમ, ખાવા-પીવા બાબતે કોઈ કરાર કે તકરાર તેઓના જીવનમાં પહેલેથી જ નહીં. આહાર પ્રત્યેના આવા દુર્લક્ષને કારણે શાંતિલાલનો શારીરિક બાંધો પાતળો- નબળો હતો. તેથી તેઓના મિત્ર શંકરલાલ તો ગમ્મતમાં તેઓને “મડિયું કહીને જ બોલાવતા. ‘મહીયાંસ: પ્રત્યા મિતભાષા: ‘ મહાન વિભૂતિઓ સ્વભાવથી જ મિતભાષી હોય છે. આ લક્ષણ શાંતિલાલમાં સર્વથા વર્તાતું.

તેઓ મિતાહારીની જેમ મિતભાષી પણ એવા જ હતા. તેઓ જેમ ચંચળ નહોતા તેમ વાચાળ પણ નહોતા. અલબત્ત, તેઓ ઓછું બોલતા પણ મીઠું બોલતા. બોલે ત્યારે રૂપાની ઘંટડી રણકતી હોય તેવું લાગે. એ રણકાર વર્ષો સુધી કાનમાં ગુંજ્યા કરે. શાસ્ત્રીજી મહારાજના સમયના એક વયોવૃદ્ધ સંત બાલકૃષ્ણ સ્વામી કહેતા : ‘એક વાર ચાણસદમાં જૂનું પ્રસાદીનું મંદિર છે ત્યાં મેડી બનાવવાની હતી.

તેથી શાસ્ત્રીજી મહારાજની સાથે હું પણ ત્યાં રોકાયેલો. મોતીભાઈ સેવામાં આવે. તે વખતે શાંતિલાલ નાના. મેં તેમને જોયેલા. તેમણે એક વાર કહેલું કે ‘મારા બાપુજીને બોલાવી લાવું? – આ વાક્ય હજુ મને યાદ આવે છે.’ કેટલું ટૂંકું વાક્ય પણ કેવી દીર્ઘકાલીન અસર ! એ સંતના જીવનમાં છ-છ દાયકા સુધી આ મધમીઠા શબ્દોનાં કામણ લેશેય ઓસર્યા નહોતાં. આવા વચનમધુર હતા શાંતિલાલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here