પુણ્યવંતો પરિવાર : ગુણાતીત ગુરુઓની પાવન પદરજથી ધન્ય થતા રહેલા આ ગામને જાણે ગુણાતીત સત્પરુષનો નેડો લાગી ગયો હોય તેમ તેઓનું જ સાંનિધ્ય સેવવાની અદમ્ય ઝંખના હશે. ભગવાનને પણ ગામનો આ મનોરથ પૂરો કરવાનો ઇરાદો હોય તેવા જ પ્રકારની ઘટનાઓ ગામમાં આકાર લેવા લાગી. તેના પ્રથમ સોપાનરૂપે લેઉઆ પાટીદાર જ્ઞાતિમાં મોતીભાઈનો જન્મ થયો. પ્રભુદાસ પટેલના ત્રણ સુપુત્રોમાંથી એક તેઓ.
અક્ષર-પુરુષોત્તમ ઉપાસનાના પ્રખર પ્રવર્તક શાસ્ત્રીજી મહારાજના યોગે મોતીભાઈને સત્સંગનો રંગ લાગ્યો. સવાર-સાંજ મંદિરમાં દર્શને જવું, કથા- કીર્તનમાં લયલીન થઈ જવું, શ્રીજીની આજ્ઞા અનુસાર જીવન જીવવું એ તેઓના અંગભૂત ગુણો હતા. જ્યારે ગામમાં શાસ્ત્રીજી મહારાજ કે સંતો પધારે ત્યારે તો કાયાની સાથે છાયાની જેમ મોતીભાઈ તેઓની સેવામાં જ પરોવાયેલા રહેતા.
તેઓની નિર્દોષ સેવા-ભક્તિથી શાસ્ત્રીજી મહારાજ પણ તેઓ પર ઘણા પ્રસન્ન થતી. સમાન સ્વભાવવાળી લોકોક્તિ છે કે ‘કુર્તમાં કશી માર્યા ” અર્ધાગિની મળવી દુર્લભ છે, પરંતુ ભગવદ્ભક્તિપરાયણ આ ભક્તરાજના જીવનમાં આ દુર્લભ વાત સાકાર બનેલી. વડોદરા જિલ્લાના મેનપુરા ગામમાં જન્મેલાં દિવાળીબા સાથે મોતીભાઈના ગૃહસ્થાશ્રમનાં મંડાણ થયેલાં, દિવાળીબા એ લાછરસનાં શામળભાઈ દેસાઈ અને જીતાબાનું સંતાન.
તેઓના ભાઈઓમાં ત્રિભુવનભાઈ, મથુરભાઈ, રણછોડભાઈ, બહેનોમાં કોઈ નહીં. આ કુટુંબને સત્સંગનો યોગ ભગતજી મહારાજના સમયથી, એ સત્સંગનો વારસો દિવાળીબાએ પૂરેપૂરો ઝીલેલો. તેઓનું જીવન એક સુશીલ સન્નારીના સઘળા ગુણોનું દર્શન કરાવતું. મંદિરના ઘઉં ઘેર લાવીને દળવાના હોય કે અટલાદરા મંદિરેથી ગાડાં આવે ત્યારે પશુઓને ઘાસ નીરવાનું હોય આ સઘળી સેવામાં દિવાળીબા ઉત્સાહથી પ્રવૃત્ત થતાં.
ચાણસદમાં મંદિર બંધાયું ત્યારે તેઓએ પાયા પૂરવાની સેવા પણ કરી હતી.અટલાદરામાં શાસ્ત્રીજી મહારાજ મંદિર બંધાવતા તે વખતે ચાણસદથી ઘણાં મહિલા-ભક્તો સેવા માટે ત્યાં જતાં. દિવાળીબા પણ આ શ્રેમસભર સેવામાં હોંશે હોંશે જોડાતાં. એટલું જ નહીં, સેવામાં જનારા સૌ ભક્તો માટે ઘેરથી ઢેબરાં બનાવીને પણ લઈ જતાં. પતિ-પત્નીના આ બે પડાળિયા સત્સંગને કારણે મોતીભાઈના ઘરમાં હરહંમેશ મંદિર જેવી જ શાંતિ લીંપાયેલી રહેતી.
ગામના એક આદર્શ દંપતી તરીકે સૌ તેઓને નિહાળતાં. ગામવાસીઓની આ માન્યતા વધુ ને વધુ દેસૂલ થતી જાય એવા પ્રસંગો પણ અવાર-નવાર બનતા રહેતા. તેમાંય મોતીભાઈની ભગવાન સ્વામિનારાયણ અને શાસ્ત્રીજી મહારાજ વિશેની અસીમ શ્રદ્ધા તો દંતકથાનો વિષય બની જાય તેવી હતી. એક વાર પુત્રી કમળાનો દીકરો અકાળે અંતિમ ઘડીઓ ગણવા લાગેલો.
જ્યારે સૌએ આ દીકરાના બચવાની શક્યતાઓ શુન્ય સમજીને પોક મુકી ત્યારે મોતીભાઈએ દોહિત્રને પોતાના ખોળામાં લઈ “સ્વામિનારાયણ’ મહામંત્રની ધૂન આદરી, મોતીભાઈની આ શ્રદ્ધા સામે કાળને પારોઠનાં પગલાં ભરી લેવા પડ્યા.
મોતીભાઈની સ્વરૂપનિષ્ઠાનું દર્શન કરાવતો અન્ય એક પ્રસંગ પણ ગ્રામજનોની જીભના ટેરવે રમતો થયેલો. એક વાર દિવાળીબા છાણ-વાસીદું કરવા ગયેલાં ત્યાં જ ઓચિંતો સાપ નીકળેલો અને તેઓને ડંખ મારી ગયેલો.
તેથી દિવાળીબા બેભાન થઈને ઢળી પડેલાં. અચાનક તૂટી પડેલી આપત્તિથી સૌ બેબાકળા થઈ ગયા, પણ સ્થિર રહેલા એક મોતીભાઈ શાસ્ત્રીજી મહારાજના ભરોસે ! આ પ્રસંગે દાક્તરને બોલાવવા કે ઝેર ઉતારવાના અન્ય કોઈ ઘરગથ્થુ ઉપચારોની પળોજણમાં પડયા સિવાય તેઓ દિવાળીબાને ગામમાં બાઈઓનું મંદિર હતું ત્યાં લઈ ગયેલા.
ત્યારબાદ તેઓએ તે મંદિરની બાજુમાં આવેલા ભાઈઓના મંદિરમાં જઈ સંતોને બનેલી હકીકતથી માહિતગાર કર્યા. તે સાંભળી દિવાળીબાને સારું થઈ જાય તે માટે સૌએ ધૂન કરી. તેથી થોડા જ સમયમાં તો દિવાળીબાને ચાલતાં ઘેર અવાય તેવું સ્વાચ્ય પ્રાપ્ત થઈ ગયેલું. આમ, ભગવાન સ્વામિનારાયણ અને શાસ્ત્રીજી મહારાજના વિશ્વાસે જ આ દંપતી શ્વાસ ભરતું અને ગૃહસ્થાશ્રમની યાત્રા આગળ ધપાવતું.
એક પ્રસંગે સત્સંગલાભ લેવા મોતીભાઈ શાસ્ત્રીજી મહારાજની સાથે વિચરણમાં જોડાયેલા. તે દરમ્યાન ચાણસદમાં તેઓના ઘરની દીવાલ પડી ગયાના સમાચાર આવ્યા, છતાં તેઓએ ઘેર પરત ફરવાની કોઈ તજવીજ કરી નહીં. તેથી શાસ્ત્રીજી મહારાજે સામેથી પૂછ્યું : “મોતીભાઈ ! તમારે ઘેર નથી જવું?” ત્યારે તેઓએ કહેલું : “બધું ધ્યાન રાખનારા અને સાચવનારા આપ બેઠા છો; પછી મારે શી ચિંતા !” આ પ્રસંગે સૌને મૂર્તિમાન જનકવિદેહીનાં દર્શન મોતીભાઈમાં થયેલાં. આમ, સેવા, શ્રદ્ધા અને સમજણનો ત્રિવેણી સંગમ આ પરિવારમાં સધાયેલો. તેથી જ સૌને પ્રયાગની પવિત્રતાનો અનુભવ તે ઘરમાં થતો.