ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મંદ પડેલું ચોમાસું હવે આગામી 11 જુલાઇથી શરૂ થઈ શકે છે. હવામાન વિભાગે આગામી 11થી 13 જુલાઇ સુધીમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયો છે.
અમરેલીના ખાંભામાં ધોધમાર વરસાદ થતાં ખેડૂતોમાં આનંદ પ્રસર્યો છે. બીજી તરફ, વલસાડમાં પણ સાર્વત્રિક વરસાદ થતાં હવે ગુજરાતમાં ફરીવાર ચોમાસું સક્રિય થવાનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે.
આ વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે : દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હવામાન વિભાગના મતે આગામી 11 જુલાઇએ અમદાવાદ,આણંદ,ખેડા, મહીસાગર, પંચમહાલ, દમણમાં હળવાથી મધ્યમ, 12 જુલાઇએ નર્મદા, ડાંગ,તાપી,સુરત, ભરૂચમાં ભારે, સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવોથી મધ્યમ, જ્યારે 13 જુલાઇએ આણંદ, વલસાડ, નવસારી, સુરત,ભરૂચ, દમણ અને ભાવનગરમાં અતિભારે, દાહોદ,પંચમહાલ,બોટાદ અને અમરેલીમાં ભારે વરસાદની સંભાવના છે.
કચ્છમાં 12.62 ટકા, ઉત્તર ગુજરાતમાં 12.91 ટકા, મઘ્ય ગુજરાતમાં 15.15 ટકા, સૌરાષ્ટ્રમાં 12.55 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 16.61 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં અત્યારસુધીમાં 14.84 ટકા વરસાદ થયો છે.
ગુજરાતમાં અત્યારસુધીમાં 4.90 ઈંચ વરસાદ : રાજ્યમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદે વિરામ લેતાં બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ચોમાસાની સારી જમાવટ થયા બાદ અચાનક વરસાદે વિરામ લેતાં ગરમી અને બફારાનું પ્રમાણ વધી ગયું છે. વરસાદ ખેંચાતાં રાજ્યમાં ચોમાસાની આ સીઝન દરમિયાન અત્યારસુધીમાં સરેરાશ 4.90 ઈંચ જેટલો જ વરસાદ નોંધાયો છે.
બીજી તરફ, બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ ડેવલપ થતાં ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રવિવારથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને વરસાદની તીવ્રતામાં પણ વધારો થશે. વરસાદની આગાહીથી ખેડૂતો માટે પણ સારા સમાચાર છે.
અમરેલીના ખાંભામાં ધોધમાર વરસાદ : અમરેલી જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ આજે દસ્તક દેતાં ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. આજે જિલ્લાના ખાંભામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જ્યારે લાઠી, સાવરકુંડલા અને રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંકડ પ્રસરતાં લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી.
ખેતીપાકને જીવતદાન મળ્યું. અમરેલીમાં ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થઈ જતાં મોટા ભાગના વિસ્તારોમાં ખેડૂતોએ વાવણી કરી હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી વરસાદ ખેંચાતાં ખેડૂતોની મૂંઝવણ વધી હતી. ખેતરોમાં થયેલા વાવેતર પર સંકટ સર્જાયું હતું. જોકે આજે જિલ્લામાં વરસાદી માહોલ છવાતાં ખેડૂતોને હવે સારા વરસાદની આશા જાગી છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!