જાણો કયા હેતુથી સ્થાપવામાં આવ્યું હતું સુપ્રસિદ્ધ સાળંગપુરનું મંદિર…

0
229

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર મુકામે આવેલા કષ્ટભંજન દેવ હનુમાનજીની સ્થાપના ૧૧૩ વર્ષ પહેલા સંવત ૧૯૦પમાં આસો વદ પાંચમના રોજ ગોપાળાનંદ સ્વામીએ લોકોના કષ્ટ દુર કરવાની પ્રાર્થના સાથે કરી હતી. ગોપાળાનંદ સ્વામી પોતાની સાથે હંમેશા લાકડી રાખતા, તે લાકડી આજે પણ પ્રસાદીના રૃપમાં હયાત છે.

આ લાકડી વડે હનુમાનજીને જળાભિષેક કરાય છે. અને તે જળ ભક્તોને પ્રસાદી તરીકે આપવામાં આવે છે. ગોપાળાનંદ સ્વામીના ચરણથી પાવન બળદગાડું આજે પણ છે. આ બળદગાડા પર બેસીને ભગવાન પોતે ચલાવતા. ભગવાન સ્વામિનારાયણ સાળંગપુર પધારતા ત્યારે નારાયણ કુંડમાં સ્નાન કરતા. આજે પણ દાદાના પાઠમાં બેસનાર લોકોને આ કુંડમાં સ્નાન કરાવી પવિત્ર કરવામાં આવે છે.

લાઠીમાં સૈકાઓ જુનું ભુરખીયા હનુમાન : અમરેલીમાં લાઠી તાલુકાના ઘુરખીયા ગામે ભુરખીયા હનુમાનજીનું સૈકાઓ જૂનું મંદિર આવેલું છે. લોકવાયકા મુજબ કવિ પીંગળશી ગઢવીને આ હનુમાનજીએ પરચો આપ્યો હતો. સદીઓથી આ મંદિર શ્રધ્ધાળુઓની આસ્થાનું પ્રતીક બની રહ્યું છે.

પોરબંદરવાસીઓની આસ્થાનું કેન્દ્ર રોકડિયા હનુમાન મંદિર : પોરબંદરના માર્કેટિંગ યાર્ડની સામેના ભાગે રાજાશાહીના સમયનુ પૌરાણિક રોકડીયા હનુમાન મંદિર આવેલું છે અહીના પટાંગણમાં જુનુ મંદિર નાનું ડેરી જેવું છે. જયારે હાલનું મુખ્ય મંદિર છે તેનું નવનિર્માણ૧૯૫૭માં પૂર્ણ થયું હતું.

આ મંદિર દક્ષિણ શૈલી મદુરા સ્થાપત્યની બાંધણીનું છે. મુળ મુર્તિ અર્ધ મુર્ખાવીંદની છે. મંદિરના મહંત સુભાષદાસ ગુરૃ લાલદાસે જણાવ્યું હતું કે અહી જે હનુમાનજી ની મૂર્તિ છે તે જ્યાં સ્વયંભુ પ્રગટ થયા હતા અને અહી હનુમાનજી ની શ્રદ્ધાપૂર્વક આરાધના કરવામાં આવે તો તુરંત ફ્ળ આપનારા માનવામાં આવે છે આથી તેને રોકડીયા હનુમાન કહે છે

જામનગર બાલા હનુમાન મંદિર ગિનિસ બૂકમાં ચમક્યું : જામનગરમાં વર્ષ ૧૯૬૪થી પ૪ વર્ષથી જ્યાં વિશ્વ કલ્યાણની ભાવનાથી અખંડ રામધુનનો યજ્ઞા આજે પણ ચાલુ છે. તેવા તળાવની પાળે આવેલા બાલા હનુમાન મંદિરની સ્થાપના પ્રેમભીક્ષુજી મહારાજે કર્યા બાદ તા.૧ જુલાઈ ૧૯૬૪ના રોજથી અહીં ભગવાન શ્રીરામના નામનો નાદ ગુંજે છે.

રામધુનની અખંડતાને કારણે વર્ષ ૧૯૮૮મા તેને ઈન્ગલેન્ડની ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં સ્થાન અપાયું છે. બિહારના ખેડુત પુત્ર ગયાપ્રસાદસિંહ ગુરુ કાશ્મીરી બાબાના સંપર્કમાં આવ્યા. કઠીન સાધના બાદ ૧૯૬૦માં તેઓ જામનગર આવ્યા. તળાવની પાળ પર હાલ જ્યાં આ મંદિર છે. ત્યાં હનુમાનની નાની દેરી હતી. આ પ્રકૃતિક સ્થળે પ્રેમભીક્ષુજી મહારાજે અખંડ રામનામની આહલેક લગાવી જે આજે પણ અવિરત છે.

ગિરનાર તળેટીમાં ૮૦૦ વર્ષ જૂના લંબે હનુમાન : જૂનાગઢ ગિરનાર તળેટી સ્થિત લંબે હનુમાન મંદિર ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ હનુમાનજયંતિ પર્વની ધર્મોત્સવ રૃપે ઉજવણી કરાશે. આશરે ૮૦૦ વર્ષ જુના મંદિરમાં બજરંગી હનુમાનની પુર્ણ સ્વરૃપની ઝલઝલાટ ર્મૂિત છે અને આ સ્થાન લોકો માટે ભારે શ્રધ્ધાનું કેન્દ્ર બનેલ છે. ગિરનાર પર્વતની સીડી પહેલા જ આવતા આ મંદિરમાં હાલ દશમી પેઢીએ ગુરૃ અર્જુનદાસજી ગાદીપતિ તરીકે આરૃઢ છે.

જેતપુરમાં સ્વયંભૂ પ્રગટ જીથુડી હનુમાન : જેતપુરના જૂનાગઢ રોડ કેનાલ કાંઠે શ્રીજીથુડી હનુમાનજી મંદિરની જગ્યાએ જે તે સમયના રાજા જીતેનસિંગ દરબારના રાજમાં મોટી વસ્તી વસવાટ કરતી હતી, પરંતુ કુદરતી પ્રકોપને કારણે જમીન યતન-પતન થઈ જતાં ત્યાં ડુંગર બની ગયો હતો.

આશરે ૮૦૦ વર્ષ પહેલા જગન્નાથપુરીથી ગીરનાર તળેટીમાં આવેલ રામચરણદાસજી બાપુ આવેલ ત્યારે તેને સ્વપ્ન થયું કે, જેતપુર નજીક જીથુડીનો ટીંબો છે ત્યાં સ્વયંભુ પ્રગટ હનુમાનજી જંગલોની ઝાળમાં દટાઇ ગયા હતા. જે તે સમયે રસ્તો શોધતા શોધતા રામચરણદાસજી બાપુ આવીને જીથુડી દાદા પથ્થરમાં દટાયેલા હોવાથી ખોદીને બહાર લાવવા પ્રયત્ન કરેલ પરંતુ તે જગ્યાએથી બહાર ન આવતા ત્યાં જ સાફ સફાઇ કરી નાની ડેરી બાંધવામાં આવેલ હતી જે આજે મોટા મંદિરમાં ફેરવાઈ ગયું છે.

બેટ દ્વારકામાં દાંડી હનુમાન : બેટ દ્વારકામાં હનુમાનજીનું પુરાણ મંદિર હનુમાન દાંડી આવેલું છે. લોકવાયકા પ્રમાણે તીર્થસ્થાન શંખનારાયણજીના મંદિરના ગાદીસ્થ બ્રહ્મચારી મહારાજ નિત્ય દર્શન માટે હનુમાન દાંડી મંદિરે જતા હતા. વૃદ્ધાવસ્થામાં એક વખત સાયંકાલ આરતીના દર્શન કર્યાં બાદ મહારાજ પરત ફરતી વખતે ઘનઘોર વરસાદને કારણે ભૂલા પડતા હનુમાનજી મહારાજ માનવદેહે તેઓને હાથ પકડીને મૂકવા માટે આવ્યાં હતાં.

બ્રહ્મચારી મહારાજે ખરી ઓળખાણ આપવા માટે પ્રાર્થના કરતા હનુમાનજીએ તેના સ્વરૃપે પ્રગટ થયાં અને બ્રહ્મચારી મહારાજને બે વચન માંગવાવમાટે કહ્યું હતું. ત્યારે તેઓએ ‘મારી વૃદ્ધાવસ્થાના કારણે હું આપ સુધી પહોંચવા અસમર્થ છું તો આપ કાયમી ધોરણે શંખનવારાયણજી મંદિરમાં બિરાજો.

બીજુ, આપના ચરણમાં જે દીન દુઃખીયો આવી આપને પોતાની મનોકામના પૂર્ણ કરવા શ્રદ્ધા ભાવે સોપારી અર્પણ કરે તો તેની મનોકામના પૂર્ણ કરવી’, આ બે વરદાન માંગ્યાં હતાં. અઢાર પુરાણોના રચયિતા વેદવ્યાસજીએ પુરાણોની રચનાઓનું ચિંતન કરવા માટે બેટ શંખોદ્વારની બાતે શ્રદ્ધા અનુભવેલી ત્યારે હનુમાનજી મહારાજે સદેહે આવી નિર્દેશ માટે રૃદ્ર સ્વરૃપ ધારણ કરીને પોતાનો પગ જે સ્થળે રાખેલો તેના પેની તરફના ભાગમાં વ્યાસ કુટીર અને પગના આંગળના પંજાના ભાગના સ્થળ ઉપર પગા ટાપુ તરીકે આજે પણ મોજૂદ છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here