દેવો-દાનવો વચ્ચે જ્યારે સમુદ્રમંથન થયું ત્યારે તેમાંથી ૧૪ રત્નોની પ્રાપ્તિ થયેલી તેમાં એક શંખ પણ હતો આથી શંખ લક્ષ્મીજીનો સહોદર મનાય છે. ભગવાન શ્રી કૃષ્ણના શંખને પાંચજન્ય શંખ કહે છે. આપણે ત્યાં મંદિરોમાં આરતી સમયે શંખ વગાડવામાં આવે છે. શંખમાં જળ ભરીને તે જળ હાજર ભક્તો પર છાંટવામાં આવે છે.
શંખનું જળ ખૂબ પવિત્ર મનાય છે. આથી દેવતાઓ કે મૂર્તિઓ પર શંખમાં જળ ભરીને તેનો અભિષેક કરવામાં આવે છે. શંખમાં અમુક રાસાયણિક તત્વો હોવાથી તેનાથી કિટાણુઓ કે જંતુઓ પણ નાશ પામે છે.ભગવાન વિષ્ણુ તથા લક્ષ્મીજીનાં હાથમાં શંખ કાયમ શોભે છે.
શંખ વગાડવાથી દમ કે અસ્થમા જેવા રોગ પણ મટે છે. શંખ વગાડવાથી શ્વાસોશ્વાસ પણ શુદ્ધ થાય છે. આપણે ત્યાં કોઈ ધાર્મિક વિધિ પહેલાં અન્ય દેવતાઓની સાથે શંખની પુજા પણ કરવાનો રિવાજ છે. આ માટે ‘શંખસ્થ દેવતાયૈ નમ:’ બોલવામાં આવે છે.
ભૂતકાળમાં દેશમાં અનેક યુદ્ધો થયાં છે. યુદ્ધની દંદુભિની સાથે શંખ પણ વગાડવામાં આવતા હતા. શંખનો ધ્વનિ વિજયની નિશાની પણ મનાય છે. આપણે ત્યાં શંખના વિવિધ પ્રકારોમાં દક્ષિણાવર્તી શંખ મુખ્ય મનાય છે. આ શંખની પૂજાથી પૂજા કરનારને અનેક ફળ મળે છે. આપણે ત્યાં શંખ ભસ્મનો આયુર્વેદિક દવાઓમાં પણ ઉપયોગ થાય છે.
ભારતમાં સમુદ્ર કિનારે અનેક શંખો તણાઈને આવે છે. રામેશ્વરમ્, મદુરાઈ તથા કન્યાકુમારીમાં બજારમાં શંખ વેચાતા પણ મળે છે અને તેના પર લેનારનું નામ તથા તારીખ પણ અંકિત કરી આપવામાં આવે છે. શંખને પૂજામાં રાખીએ તો તેને યોગ્ય આસન પણ આપવું પડે છે.
શંખની પૂજા કર્યા પછી તેના પર ફૂલ ચઢાવી અબીલ ગુલાલથી શણગાર કરવામાં આવે છે. શંખ પર ચંદનનું તિલક પણ કરવામાં આવે છે. શંખ પ્રકૃતિ તથા સમુદ્રની સુંદર દેન છે. ભારતીય સંસ્કૃતિમાં શંખનો મહિમા અનેરો છે તેથી તે સંસ્કૃતિની ધરોહર છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!