કોઈ પણ ઝગડા કઈ રીતે મટી જાય…?

0
752

શાસ્ત્રીજી મહારાજે શાંતિલાલને ભાગવતી દીક્ષા આપી નારાયણસ્વરૂપદાસ નામ પાડ્યું.. તેઓના ત્યાગીજીવનના પ્રારંભના વર્ષોમાં શાસ્ત્રીજી મહારાજે સંસ્કૃત અભ્યાસમાં તેઓને જોડ્યા હતા. તે દરમ્યાનના કેટલાક પ્રસંગો માણીએ…

ભાગવતી દીક્ષા બાદ પોતાની સાથે થોડો સમય રાખીને શાસ્ત્રીજી મહારાજે સ્વામીશ્રીને ભાદરણમાં રહી સંસ્કૃતનો અભ્યાસ આગળ ધપાવવાની આજ્ઞા કરી. અહીં સ્વામીશ્રી સાથે ભણવામાં પુરુષોત્તમાનંદ બ્રહ્મચારી, અક્ષરજીવનદાસ અને હરિસ્વરૂપદાસ હતા હરિવલ્લભદાસ પુરાણી પણ થોડા સમય માટે આ મંડળ સાથે રહેલા. અંબારામ ભગત પાર્ષદ તરીકે મંદિરમાં સેવા-પૂજા કરતા.

તે વખતે અભ્યાસ ઝોળી પર ચાલતો. દર સુદ બારસ અને વદ બારસના રોજ ગામમાં ઝોળી માંગવા જવાનું થતું. સ્વામીશ્રી અને અક્ષરજીવનદાસ કાયમ ઝોળી માંગવા જાય; પણ હરિસ્વરૂપદાસ ઝોળી માંગવામાં ક્યારેય સાથે ન આવે.

ઝોળીનું સીધું આવી જાય પછી રસોઈ કરવામાંય મદદમાં ન આવે. તેઓની પ્રકૃતિ પ્રથમથી જ રજોગુણી. ચાલતી વખતે ચાખડીઓ પહેરે. બે હાથમાં રૂમાલ રાખે અને માથે છત્રી ઝલાવે. પોતાને ગાદીપતિ જ માને. ત્યાં સુધીનો વટ કે “આ સંસ્થામાં હું જ ગાદી પર આવીશ.” પોતાની પાસે સેવક જેવો એક છોકરો રાખે.

તે તેઓને નવરાવે, પથારી કરી દે, બહાર જાય ત્યારે છત્રી ઝાલે. તે છોકરો ક્યારેક આઘોપાછો હોય ત્યારે સ્વામીશ્રી આ છત્રી પકડતા. મંદિરના ઉપલા મેડે આ હરિસ્વરૂપદાસ એકલા જ રહે. ઉપરના માળે કોઈને આવવા ન દે. શાસ્ત્રી ભણાવવા આવે તે પૂરતું જ સ્વામીશ્રી અને અન્ય સહાધ્યાયીઓને ઉપર આવવા દે.

તેથી સ્વામીશ્રી સહિત બાકીના સૌએ નીચે સભામંડપમાં જ રહેવા-સૂવાનું અને વાંચવાનું થતું. અભ્યાસ માટે કોઈ અલાયદો ઓરડો રહેતો નહીં. હરિસ્વરૂપદાસની આવી અલ્લડતા જોઈ સાથે ભણનારા બીજા સંતો અકળાય. તેઓને મનમાં ચચરી આવેઃ “આપણને ઉપરના મેડે કેમ ન જવા દે?”

ત્યારે સ્વામીશ્રી સૌને શાંત પાડતાઃ “એમને ના ફાવતું હોય તો તમારે જઈને શું કામ છે? નીચે આપણું ભણવાનું ચાલે છે! જવાથી એમને અશાંતિ રહેતી હોય તો એમનેય અશાંતિ ને આપણનેય અશાંતિ રહે. જવાથી તો કજિયા જેવું જ કંઈક થવાનું ને!’ આમ, સ્વામીશ્રી ભણનારા ચારેયમાં સૌથી નાના પણ સૌને સમજાવીને વાતાવરણ કલુષિત ન થવા દે. નેતૃત્વના પાઠ જાણે ગળથુથીમાંથી જ પીને આવ્યા હોય એવી તેઓની રહેણી-કરણી રહેતી.

એક વાર તેઓને પૂછવામાં આવેલું : “ભણતા ત્યારે આપ ઉંમરમાં સૌથી નાના હતા. છતાં સૌને એકસાથે રાખતા’તા. આવી ભાવના આપની પહેલેથી?” ત્યારે તેઓએ જણાવેલું : “ભાવના શું? એનું કામ આપણે કરી લઈએ એટલે ઝઘડો મટી જાય. ભણતા ત્યારે બહાર પાણી ભરવા બે જણા જાય જ નહીં. એટલે અમે તે કામ કરી લઈએ. એવી રીતે વાસણ ઊટકવાનું કરી લેતા.

એની ઇચ્છા જ ના હોય પછી લાંબો ઝઘડો કર્યા કરતાં કામ કરી લેવું.”આમ, પ્રથમથી જ સ્વામીશ્રીનું વલણ સમાધાનકારી. પ્રશ્નનો ઉકેલ કેવી રીતે આવે તે તરફ જ દૃષ્ટિ અને તેવી સૂઝ પણ. તેથી વયમાં નાના હોવા છતાં મોટા-મોટાના દિલમાં વસી જતા. તેઓના બોલનું વજન પડતું.

લેખન સંપાદન : Infogujarat Team : તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ  તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here