તમે કર્મ કરો, પરિણામની ચિંતા શા માટે કરો છો? એકવાર જરૂર વાંચીલો શ્રી કૃષ્ણના ઉપદેશો..

0
390

કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવોની સેના સામસામે ગોઠવાઈ ગઇ હતી. સૈનિકો પોતપોતાની જીત માટે હાકોટા પડકારા પાડી રહ્યા હતા. પાંડવોના સેનાપતિ અર્જુને તેના સારથિ શ્રીકૃષ્ણને કહ્યું, ‘મને મેદાનની વચ્ચે લઇ જાઓ, માટે કૌરવોની સેના જોવી છે.’ તે સેનામાં પોતાના દાદા, કાકા, ગુરુજી અને ભાઈઓને જોઈ તેના હાંજા ગગડી ગયા. ‘મારે મારા સગાઓને મારીને જ આ યુદ્ધ જીતવાનું છે કે શું ?’

તેણે નિરાશ થઇ હથિયારો મૂકીને ભાગી જવાનો કે શરણે થવાનો વિચાર કર્યો ત્યારે જ ભગવાન શ્રીકૃષ્ણએ ઉપદેશ આપતા કહ્યું, ‘પાર્થ, તારે કર્મ તો કરવું જ પડશે. પરિણામની ચિંતા ના કર, જે થવાનું છે, તે તો થઇને જ રહેશે. જો તું મેદાન છોડી નાસી જઈશ, તો ભાવિ પેઢી અને ઇતિહાસ તને ક્યારેય માફ નહીં કરે.’ આ બોધનું એક સર્વોત્તમ પુસ્તક એટલે જ શ્રીમદ્ ભગવત્ ગીતા.

આપણે દરરોજ કેટલાં કાર્યો કરતાં હોઈએ છીએ. દરેક વખતે આપણે ભાવિનો વિચાર કરીને આગળ વધીએ છીએ. જો ખરાબ પરિણામ મનમાં આવે તો પાછા પડી ભાગી જઇએ છીએ. પરીક્ષાના હોલમાં આવીને તૈયારી ના હોય તો ભાગીને ડ્રોપ લેનારા કેટલા બધા વિદ્યાર્થીઓ છે. ઈન્ટરવ્યૂ આપવા આવેલ યુવક હોલમાં ઘણા બધા ઉમેદવારોને જોઈ, ગભરાઈને પાછો જતો રહે, તેને શું કહેવું ? અરે, ભાઈ, પરિણામ તો જે આવવાનું છે તે આવશે જ, કર્મ તો કરો.

સારા અને ખરાબ બનાવો અને પ્રસંગો તો જીવનમાં બનતા જ રહે છે. જે બનવાનું છે તે તો બનીને જ રહેશે, પછી તેની ચિંતા શા માટે કરવાની ? આપણે સ્વીકારી લેવું પડે છે કે જે બનવાનું છે, તે તો અચળ છે, પછી તે થઇ જાય કે ના થાય તો શું, એવો હરખશોક શા માટે ? જે બનવાનું છે, તે આપને અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, તે સ્વીકારે જ છૂટકો.

કોઈપણ પરિસ્થિતિ આપણને સુખી કે દુ:ખી બનાવતી નથી પણ તેના પ્રત્યેનો આપણા મનનો અભિગમ જ આપણને સુખ અને દુ:ખ પ્રતીત કરાવે છે. માટે ચિંતા અને દુ:ખ આપતી પરિસ્થિતિનો કર્મો દ્વારા પ્રતિરોધ તો કરવો જ જોઇશે. પછી જે થવાનું છે તે થઇને જ રહેશે.

આપણે ત્યાં લોકો હજુ કોર્ટ, કચેરી, પોલીસ વગેરેના નામ માત્રથી જ ડરે છે અને પોતાને દેખીતો અન્યાય થતો હોય, તેની ખબર હોવા છતાં આવાં લફરામાં કોણ પડે એમ વિચારીને કાંઈ જ કરતાં નથી અને પછી આખી જિંદગી બળાપો કર્યા કરે છે કે મેં કોર્ટ કેસ કર્યો હોત તો સારું થાત. પરંતુ સમય મર્યાદા પછી કાંઈ જ થઇ શક્તું નથી.

સમગ્ર દુનિયા પર રાજ કરનાર અંગ્રેજોના આપણા દેશમાં જુલમો અને જોહુક્મી વધી ગયા હતા. ચારે તરફ સ્વરાજ માટે જંગ ચાલુ હતા. પણ અંગ્રેજો ટસથી મસ થતા નહોતા. ભારતની પ્રજા ત્રાસી ગઇ હતી. અંતે મહાત્મા ગાંધીજીએ પોતાનો સાબરમતી આશ્રમ છોડતા કહ્યું, ‘કાગડા અને કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વગર પરત નહીં ફરું.’ અને તેમણે ‘હિન્દ છોડો’ ચળવળ ચાલુ કરી દીધી. કર્મ માટેનો તેમનો દ્રઢ નિશ્ચય અંતે દેશને આઝાદી અપાવીને જ રહ્યો.

ભવિષ્યમાં શું થશે તે તો કોઈ ચોક્કસપણે કહી શક્તું જ નથી તેથી તેની ચિંતા કરવાનો કોઈ જ અર્થ નથી પરંતુ તેને માટે પરિસ્થિતિને, સંજોગોને, વાતાવરણને અનૂકૂળ બનવા કર્મ કરો. ભયંકર વરસાદ અને તોફાનમાં ટટ્ટાર ઝાડ તૂટી જાય છે જ્યારે ઝૂકી જનાર છોડવા અને નાનાં વૃક્ષો બચી જાય છે.

સામે કૂવો દેખાય છે, છતાં સાહસ કરીને તેમાં પડવાથી મોત મળવાનું જ છે. આવા ગાંડા સાહસને કર્મ ના કહેવાય. પોતાના મનને લાગવું જોઇએ કે હું જે કરું છું તે સાચું અને સત્ય છે, માટે બને તેટલી મહેનત કરીને હું ચોક્કસ જીત મેળવીશ.

ભગવાન શ્રીરામ સીતાજીના ગુમ થયા પછી વનમાં ભટકતાં, ચાલતા શોધખોળ કરતા રહ્યા. વાનરોનો સાથ મેળવી છેક દક્ષિણે, દરિયો પાર કરી, શ્રીલંકા પહોંચી, રાજા રાવણને હરાવી દીધો. અંતે સીતા માતાને છોડાવ્યા. તેમનું આટલું કઠિન કર્મ જ તેમને જીત અપાવી ગયું. તેને બદલે વનમાં શોક કરતા બેસી રહ્યા હોત તો ??

છત્રપતિ શિવાજીને ઔરંગઝેબે ચાલાકીથી કેદ કરી લીધા. હવે તેમનું મોત નક્કી હતું. પરંતુ બેસી રહ્યે કેમ ચાલે ? કાંઈ કર્મ તો કરવું જ પડે ને. અંતે કેરીના ટોપલામાં બેસી ભાગી ગયા. તેમાં પણ પકડાઈ જાય તો મોત નક્કી જ હતું. છતાં પણ બેસી રહેવાને બદલે, રડયા કરવાને બદલે કર્મ કર્યું અને તેમનો જીવ બચી ગયો અને દેશમાં મરાઠા સામ્રાજ્યનો પાયો નંખાયો.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here