પાકિસ્તાનમાં સોમવારે સવારે એક મોટી ટ્રેન દુર્ઘટના થઈ છે. સિંધના ડહારકી વિસ્તારમાં બે પેસેન્જર ટ્રેન એકબીજાને અથડાઈ હતી. આ ઘટનામાં અંદાજે 30 લોકોનાં મોત થયાં છે અને 50થી વધારે લોકો ઘાયલ થયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મિલ્લત એક્સપ્રેસ અને સર સૈયદ એક્સપ્રેસ બંને એકબીજા સાથે અથડાઈ હતી. હજી પણ ઘણા લોકો કોચમાં ફસાયેલા છે અને મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે.
આ ઘટના ઘોટકી પાસે રેતી અને ડહારકી રેલવે સ્ટેશન પાસે વહેલી સવારે 3.45 વાગે થઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મિલ્લત એક્સપ્રેસ કરાચીથી સરગોઘા અને સર સૈયદ એક્સપ્રેસ રાવલપિંડીથી કરાચી જઈ રહી હતી. ઘટના સવારે 3.30થી 4 વાગ્યા વચ્ચે ઘટી હતી.
પાકિસ્તાની મીડિયાના જણાવ્યા પ્રમાણે, મિલ્લત એક્સપ્રેસના કોચ અનિયંત્રિત થઈને બીજા ટ્રેક પર પડ્યા હતા. એને કારણે સામેથી આવી રહેલી સર સૈયદ એક્સપ્રેસ એને અથડાઈ ગઈ હતી. આ કારણે ટ્રેનના કોચને પણ ઘણું નુકસાન થયું છે.
અકસ્માત બાદ અધિકારીઓ ચાર કલાક સુધી ઘટનાસ્થળે પહોંચ્યા ન હતા. મોડી પહોંચેલી રેસ્ક્યૂ ટીમે ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાનું કામ શરૂ કરી દીધું છે. હજી પણ અકસ્માતમાં ખરાબ રીતે ડેમેજ થઈ ગયેલા કોચને ગેસ-કટરથી કાપીને એમાં ફસાયેલા મુસાફરોને બચાવવામાં આવી રહ્યા છે. નજીકનાં ગામોથી પહોંચેલા ટ્રેક્ટર-ટ્રોલી દ્વારા તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. અકસ્માતને કારણે આ માર્ગ પરનાં મોટા ભાગનાં વાહનોને ટ્રાફિકની અસર થઈ છે.
ઘોટકી ડેપ્યુટી કમિશ્નર ઉસમાન અબ્દુલ્લાએ જણાવ્યુ હતું કે બંને ટ્રેનોના 13 થી 14 કોચ પાટા પરથી ઉતારી ગયા છે. તેમાંથી 6 થી 8 સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. તેથી જ લોકોને રેસ્ક્યૂ કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. અકસ્માત બાદ ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ઘોટકી, ડહારકી, ઓબરો અને મીરપુર મથેલોની હોસ્પિટલોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે અને ડોકટરો સહિત પેરામેડિકલ સ્ટાફને ફરજ પર બોલાવવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે જે લોકો હજી પણ કોચમાં ફસાયેલા છે, તેમણે બહાર કાઢવા તે રેસ્ક્યૂ ટીમના સભ્યો અને અધિકારીઓ માટે પડકાર છે. લોકો હજી પણ ફસાયેલા છે, તેમને બહાર કાઢવા માટે ભારે મશીનરીનો ઉપયોગ કરવામાં સમય લાગશે.
આ પહેલાં માર્ચ મહિનામાં પણ કરાચી એક્સપ્રેસ ટ્રેન સાથે દુર્ઘટના ઘટી હતી. ટ્રેન લાહોરથી નીકળી હતી અને સુક્કુર પાસે એના 8 કોચ ટ્રેક પરથી ઊતરી ગયા હતા. આ દુર્ઘટનામાં એકનું મોત થયું હતું અને 40 મુસાફરો ઘાયલ થયા હતા.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!