વાવાઝોડામાં થયેલા નુકસાનમાં ખેડૂતોને 100 ટકા વળતરની માંગ, રાહત પેકેજ આપવામાં નહીં આવે તો વાવણીથી વંચિત રહેવાનો ભય…જાણો..!

0
221

તાજેતરમાં આવેલા તાઉ-તે વાવાઝોડાને લઈને સૌરાષ્ટ્રનાં જુદા-જુદા વિસ્તારોમાં વિવિધ પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે. જેને લઈ ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ઉનાના ધારાસભ્ય પૂંજા વંશ ખેડૂતોની વહારે આવ્યા છે અને મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખી ગીરસોમનાથ સહિત ભાવનગર, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં બાગાયતી ઉપરાંત ઉનાળુ પાકને થયેલી નુકસાની બદલ ખેડૂતોને 100% વળતર આપવાની માગ કરી છે. જો રાહત પેકેજ આપવામાં નહીં આવે ખેડૂતો વાવણીથી વંચિત રહેવાનો ભય છે.

નુકસાની 10 વર્ષમાં પણ ભરપાય થઈ શકે તેમ નથી :  પૂંજા વંશે પત્રમાં જણાવ્યું છે કે, આ વાવઝોડાના કારણે ગીરસોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં વ્યાપક નુકસાન થયું છે. તેમાં પણ તેમના મત વિસ્તારમાં ખેતીને જે આર્થિક નુકસાન થયું છે તે આવનારા 10 વર્ષમાં પણ ભરપાય થઈ શકે તેમ નથી. જેમાં બાગાયતી પાકો જેવા કે આંબા, નાળયેરી, ચીકુ અને કેળા તેમજ ઉનાળુ ખેતી પાકો જેવા કે તલ, બાજરી, જુવાર, અડદ અને મગ ઉપરાંત શાકભાજી સંપૂર્ણપણે નાશ પામ્યા છે.

અનેક કાચા-પાકા મકાનો તૂટ્યા, સમારકામ કરવાની જરૂર : વધુમાં તેમણે જણાવ્યુ છે કે, વાવાઝોડામાં ભારે પવનને લઈ નાળિયેરી અને આંબા જેવા વર્ષો સુધી ઉછેર કરીને મોટા કરેલા વૃક્ષો મૂળમાંથી ઉખડી જતા ખેડૂતોને એક નહીં પરંતુ 15-20 વર્ષની મહેનત પાણીમાં ચાલી ગઈ છે. આ ઉપરાંત તૈયાર થઈ ગયેલા ઉનાળુ પાક અડદ, તલ, બાજરી, જુવાર, મગ તેમજ શાકભાજીનો પણ ભારે પવન અને વરસાદને કારણે સંપૂર્ણ નાશ થયો છે.

આ ઉપરાંત તેમના મતવિસ્તાર ઉના અને ગીર ગઢડામાં સંપૂર્ણ અંધારપટ છવાયો છે. રસ્તાઓ પર વૃક્ષો પડી જવાના કારણે અનેક ગામો સંપર્કવિહોણા બની ગયા છે. અને અનેક કાચા-પાકા મકાનો તૂટી જતા તેનું પણ ત્વરિત સમારકામ કરવું જરૂરી બન્યું છે.

ઉના ખાતે હેડ ક્વાર્ટર ઉભું કરીને કામગીરી કરવી જરૂરી : ઉના અને ગીરગઢડા તાલુકામાં જનજીવન ધબકતું કરવા અને વીજપુરવઠાને કાર્યરત કરવા ઉના ખાતે હેડ ક્વાર્ટર ઉભું કરીને કામગીરી કરવી જરૂરી છે. આગામી 15મી જૂનથી રેગ્યુલર ચોમાસાનું આગમન થશે તેવામાં વાવાઝોડાના કારણે પડી ગયેલ આંબા, નાળીયેરી અને અન્ય વૃક્ષો તેમજ નાશ પામેલ પાકને કાઢીને જમીન વાવણીલાયક કરવા માટે ખેડૂતોને ખાસ રાહત પેકેજ આપવામાં નહીં આવે તો આગામી ચોમાસામાં પણ ખેડૂતો વાવણીથી વંચીત રહી જવાનો ભય છે. ત્યારે આ તમામ બાબતે ત્વરિત કાર્યવાહી કરવાની અપીલ તેમણે કરી છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here