અટલાદરાથી સૌએ હવે ગોરિયાદની દિશા પકડી હતી, કારણ કે તા.૧૬/રથી અહીં ભવ્ય પારાયણનો પ્રારંભ થવાનો હતો.સ્વામીશ્રી સહિત મુંબઈમાં ભણતા વિદ્વાન સંતો વ્યાસાસન પર બિરાજીને કથાલાભ આપવાના હતા. તેથી સમગ્ર કાનમ પંથકમાં આ પારાયણમાં જવાનો ઉત્સાહ પ્રવર્તતો હતો.
આ પારાયણના પ્રથમ દિવસે સ્વામીશ્રીએ ‘હરિલીલાકલ્પતરુ’ના સપ્તમ સ્કંધની કથાનો લાભ આપી શાનદાર પ્રારંભ કર્યો.પણ તે જ દિવસે સમાચાર આવ્યા કે “ગોંડલમાં તૈયાર થતા ગુરુકુળમાં ભોજનશાળાના બીજા માળનું ધાબું ભારે કડાકા સાથે બેસી ગયું છે.’ તેથી સ્વામીશ્રીને તાબડતોબ ગોંડલ જવાનું થયું.
ગોંડલ પહોંચીને તેઓ સીધા જ ગુરુકુળમાં ગયા. જે દુર્ઘટના બનેલી તે જોઈ. ત્યારબાદ મંદિરમાં જઈ નિત્યકર્મથી પરવાર્યા.ત્રણ દિવસ સુધી ગોંડલમાં જ રોકાઈને સઘળી પરિસ્થિતિ થાળે પાડી. બાંધકામની સેવા સંભાળનાર સંતોને આ ઘટનાથી ઘણું દુઃખ થયેલું.
તેઓને પણ સ્વામીશ્રીએ આશ્વાસન આપ્યું. ઠપકાનો એક શબ્દ સુધ્ધાં કહ્યો નહીં. ફરી વાર ધ્યાન રાખીને કાર્ય કરવાની માત્ર હળવી ટકોર કરી.સ્વામીશ્રીની કાર્યપદ્ધતિ પૂરેપૂરી મનોવૈજ્ઞાનિક રહેતી. તેઓ સમજતા કે એક વારની ભૂલથી માણસ કાયમ માટે ભૂલભરેલો નથી બની જતો. તેથી તેઓ સૌને નિભાવી જાણતા.